________________
આગમ-કથાઓ
10
(૫) અતિ વેગથી પડવાવાળી વ્યકિત પણ કયારેક બચી શકે છે. તેથી તેના પ્રત્યે યોગ્ય સંભાળ અને સહાનુભૂતિ રાખવી સૌની ફરજ છે.
(૬) ઔષધનું સેવન કરવું તે પણ સંયમ જીવનમાં એક ભયસ્થાન છે. તેનાથી અસંયમભાવ તથા પ્રમાદભાવ આવી શકે છે. તેથી સાધકે ઔષધ સેવનની રુચિથી નિવૃત્ત થઈ વિવેક યુકત તપ-સંયમની સાધના કરવી જોઈએ. શૈલક જેવા ચરમ શરીરી તપસ્વી સાધક પણ ઔષધસેવનના નિમિત્તથી સંયમમાં શિથિલ બની ગયા હતા.
(૭) શૈલક રાજર્ષિ મધ્યમ તીર્થંકરના શાસનમાં થયા હતા. તેમના માટે માસકલ્પ આદિ નિયમ પાલન આવશ્યક નહોતા. આ કથાનકના આલંબનથી અંતિમ તીર્થંકરના શાસનમાં તેનું અનુકરણ ન કરાય. અર્થાત્ સેવામાં જેટલા શ્રમણોની જરૂરિયાત હોય તેટલાને રાખી બાકીનાને અકારણ કલ્પ મર્યાદાથી અધિક સ્થિર રાખવા ન જોઈએ.
(૮) પંથકે ચૌમાસી પક્ષ્મીના દિવસે બે પ્રતિક્રમણ કર્યા તેનું કારણ પણ એ જ છે કે મધ્યમ તીર્થંકરના શાસનમાં શ્રમણોને માટે સદાય બન્ને વખત પ્રતિક્રમણ કરવું ફરજિયાત નહોતું. તેથી તેઓ ફકત પક્ષી, ચૌમાસી, સંવત્સરી પર્વ દિવસે નિયમસર પ્રતિક્રમણ કરતા. અંતિમ તીર્થકરના સાધુઓને બન્ને સમય ભાવયુકત પ્રતિક્રમણ કરવાનો નિયમ તેમના માટે છે. તેમના માટે ત્યાગ, તપ, મૌન ધ્યાન અને આત્મચિંતન કે ધર્મજાગરણ કરવું તે જ પર્વદિવસની વિશેષ આરાધના છે. જે શ્રમણોપાસક હંમેશા પ્રતિક્રમણ ન કરતાં પર્વદિવસે જ પ્રતિક્રમણ કરે છે, તેમના માટે બે પ્રતિક્રમણ જરૂરી છે.
અધ્યયન – ૬ તુંબડાનું (દૃષ્ટાંત )
રાજગૃહી નગરીમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયો કે હે ભગવાન! જીવ હળવો થઈ ઉ૫૨ કેવી રીતે જાય છે અને જીવ ભારે થઈ નીચે કેવી રીતે જાય છે?
તેના પ્રત્યુત્તરમાં ભગવાને એક દૃષ્ટાંત આપી સમજાવ્યું કે જેવી રીતે તુંબડી પાણી ઉપર તરે છે પણ તેની ઉપર કોઈ વ્યકિત માટી, ઘાસનો લેપ કરી તડકામાં સુકવી દે તેમ ક્રમશઃ આઠ લેપ લગાવે. તે તુંબડાને જો પાણી ઉ૫૨ રાખવામાં આવે તો તે તુંબડું લેપના ભારથી તળીયે ડૂબી જાય છે. ધીમે ધીમે માટીનો લેપ પાણીમાં ઓગળી જતાં ફરી તે તુંબડું પાણી ઉપર તરવા લાગે છે.
એ પ્રકારે જીવ ૧૮ પાપનું સેવન કરી આઠ કર્મનો બંધ કરી, કર્મથી ભારે બની અધોગતિમાં નરકમાં જાય છે. કર્મો જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય છે ત્યારે આત્મા ઉર્ધ્વગમન કરી શાશ્વત સિદ્ધ સ્થાનમાં સ્થિર થઈ જાય છે.
ન
પ્રેરણા શિક્ષા :– શ્રમણ ૧૮ પાપના ત્યાગી હોય છે છતાં પણ જાણ્યે અજાણ્યે જૂઠ, નિંદા, કલેશ, કષાય આદિ પાપોનું સેવન ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કારણકે પાપાચરણના સેવનથી જ આઠ કર્મોનું ઉપાર્જન થાય છે. શ્રમણોપાસક તથા પ્રત્યેક મુમુક્ષુએ પણ ૧૮ પાપોનું જાણપણું મેળવી તેનાથી બચવા માટે સદા પ્રયત્ન કરવો જોઈએ.
અધ્યયન – ૭ ધન્ય સાર્થવાહ અને તેની ચાર પુત્રવધૂ (દૃષ્ટાંત કથા )
રાજગૃહ નગરમાં ધન્ય સાર્થવાહન રહેતા હતાં. તેમને ચાર પુત્રો હતા, ' જેમનાં નામ ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત હતા. તેમની પત્નીઓનાં અનુક્રમે નામ – ઉજિઝતા (ઉજિઝકા) ભક્ષિકા, રક્ષિકા અને રોહિણી હતાં.
ધન્ય સાર્થવાહ દીર્ઘદ્રષ્ટા હતા. ખૂબ વિચક્ષણ હતા. ભવિષ્યનો વિચાર કરવાવાળા હતા. તે જયારે પરિપકવ ઉંમરના એટલે વૃદ્ધ થયા ત્યારે તેમને વિચાર ઉદ્ભવ્યો કે મારા મૃત્યુ પછી કુટુંબની સુવ્યવસ્થા આવી જ રીતે જળવાઈ રહે માટે મારે મારીહાજરીમાં જ આ વિષયે વ્યવસ્થા કરી લેવી જોઈએ. આ પ્રકારનો વિચાર કરી ધન્ય સાર્થવાહે મનોમન એક યોજના ઘડી લીધી. એક દિવસ પોતાના જ્ઞાતિજનો, સગા—સંબંધીઓ, મિત્રવર્ગને આમંત્રિત કર્યા. ભોજનાદિથી બધાનો સત્કાર કર્યો ત્યારબાદ પોતાની ચારે પૂત્રવધૂઓને બોલાવી દરેકને પાંચ ડાંગરના દાણા આપી કહ્યું – 'હું જયારે માંગુ ત્યારે આ પાંચ દાણા મને પાછા આપજો.'
પહેલી પુત્રવધૂએ વિચાર્યું –' મારા સસરાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. 'સાઠે બુદ્ધિ નાઠી'. આટલો મોટો સમારંભ યોજી અને આટલી તુચ્છ ભેટ અમને આપવાનું સૂજયું. વળી કહ્યું કે પાછું માંગુ ત્યારે પાછા આપજો. ભંડારમાં ડાંગરનો કયાં તોટો છે? જયારે માગશે ત્યારે આપી દઈશ' એમ વિચારી આપેલા દાણા કચરામાં ફેંકી દીધા. બીજી પુત્રવધૂએ વિચાર્યું – 'ભલે આ દાણાનું મૂલ્ય ન હોય તો પણ સસરાજીએ આપેલો પ્રસાદ છે; તેને ફેંકવો ઉચિત નથી' એમ વિચારી પાંચ દાણા ખાઈ ગઈ.
ત્રીજી વધુ વિચારશીલ હતી. તેણે વિચાર્યું– 'મારા સસરા ખૂબ જ વ્યવહારકુશળ, અનુભવી અને સમૃદ્ધિશાળી છે. તેમણે આટલો મોટો સમારંભ રચી અમને પાંચ દાણા આપ્યા છે તેમાં તેમનો કોઈ વિશિષ્ટ અભિપ્રાય હોવો જોઈએ. તેથી દાણાની સુરક્ષા જાળવવી મારું કર્તવ્ય છે.' આમ વિચારી પાંચ દાણા એક ડબીમાં રાખી સુરક્ષિત જગ્યાએ મૂકી દીધા.
ચોથી પુત્રવધૂ રોહિણી ખૂબ બુદ્ધિશાળી, વિચક્ષણ હતી. તે સમજી ગઈ કે પાંચ દાણા દેવા પાછળ કોઈ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. કદાચ અમારી પરીક્ષા કરવાનો હેતુ હોઈ શકે. તેણે બહુમાનપૂર્વક પાંચ દાણા લઈ પિયર મોકલી દીધા. તેની સૂચના અનુસાર પિયરવાળાઓએ તે દાણા અલગ ખેતરમાં વાવ્યા. દર વર્ષે જે પાક થાય તે બધોજ વાવી દેવાતો. આમ પાંચ વર્ષમાં તો કોઠાર ભરાઈ
ગયા.
આ ઘટનાને પાંચ વર્ષ વ્યતીત થઈ ગયા. ત્યારે ધન્ય સાર્થવાહે ફરીને પૂર્વવત્ સમારંભ યોજયો. ભોજન–પાન આપી બધાયનું સત્કાર–સન્માન કર્યું. ત્યાર પછી પહેલાંની જેમ ચારે પુત્રવધૂઓને પોતાની સમક્ષ બોલાવી પાંચ-પાંચ દાણા જે પહેલાં આપ્યા હતા તે પાછા માંગ્યા. પહેલી પુત્રવધૂએ કોઠારમાંથી દાણા લાવી આપ્યા. ધન્ય સાર્થવાહે પૂછ્યું – 'આ દાણા મેં આપ્યા હતા તે જ છે કે બીજા?' તેણે સત્ય હકીકત કહી દીધી. તે સાંભળી શેઠે કચરો વાળવા ઇત્યાદિ સફાઈકામ સોંપ્યુ અને કહ્યું કે તમને આ કામ યોગ્ય છે. બીજી પુત્રવધૂ પાસે દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે આપના અપાયેલા દાણા પ્રસાદ સમજી હું ખાઈ ગઈ છું. સાર્થવાહે તેના સ્વભાવ અનુસાર અનુમાન કરી રસોડાખાતું સોંપ્યું.