________________
૧૮
કેટલાક સમય પછી શ્રી રાજસાગરજી વાચકે આ બાલ મુનિ દેવચંદ્રની યોગ્યતા જોઈને “સરસ્વતી મંત્ર” આપ્યો, દેવચંદ્રજીએ બેલાડા ગામમાં જઈને રમણીય એવા વેણાનદીના કાંઠે ભૂમિગૃહમાં (ભોંયરામાં) રહીને આ મંત્રની સાધના કરી, પોતાના પુણ્યોદયે સરસ્વતી પ્રસન્ન થયાં અને તેમની જીભ ઉપર વસવાટ કર્યો. આ સરસ્વતી દેવીની પ્રસન્નતાથી પડાવશ્યકસૂત્ર, જૈનેતરદર્શનના ૧૮ કોષ, કૌમુદી-મહાભાષ્યાદિ વ્યાકરણ, પિંગલા સ્વરોદય, તત્ત્વાર્થસૂત્ર, આવશ્યકબૃહદ્રવૃત્તિ, શ્રી વિશેષાવશ્યક મહાભાષ્ય વગેરે ગ્રન્થોનો અલ્પસમયમાં સુંદર અભ્યાસ કર્યો તથા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીના બનાવેલા, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના બનાવેલા અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના બનાવેલા ગ્રન્થોનો સવિશેષ અભ્યાસ કર્યો તથા છ કર્મગ્રંથો, કમ્મપડિ, પંચસંગ્રહ, બૃહત્સંગ્રહણી અને ક્ષેત્રસમાસ તથા આચારાંગ આદિ આગમિક ગ્રન્થોનો પણ સુંદર અભ્યાસ કર્યો અને સારા વિદ્વાન પંડિત થયા તથા સાથે સાથે કવિરાજ પણ થયા.
..............શ્રી દેવચંદ્રજીની ગુરુપરંપરા
ખરતરગચ્છમાં ૬૧મી પાટે શ્રી જિનચંદ્રસૂરિજી થયા. જેઓ શાસનપ્રભાવક હતા અને સમ્રાટુ અકબર બાદશાહ ઉપર પ્રભાવવાળા હતા. (એટલે પૂજ્ય હીરસૂરીશ્વરજી મહારાજશ્રીના કાળમાં એટલે આશરે ૧૫મા સૈકામાં શ્રી જિનેશ્વરસૂરિજી થયા.) તેઓએ “યુગપ્રધાન”નું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તેમના શિષ્ય પુણ્યપ્રધાનજી થયા, તેમના શિષ્ય સુમતિસાગરજી થયા, જેઓ વિદ્યાવિશારદના બીરુદને પામ્યા હતા. તેમના શિષ્ય સાધુરંગજી થયા, તેમના શિષ્ય રાજસાગરજી થયા કે જેઓની પાસે માતપિતાએ જો “અમારે પુત્રરત્ન જન્મશે તો જૈનશાસનને સમર્પિત કરીશું” એવી પ્રતિજ્ઞા લીધી હતી. તે રાજસાગરજીના શિષ્ય જ્ઞાનધર્મપાઠક થયા અને તે જ્ઞાનધર્મપાઠકના શિષ્ય શ્રી દીપચંદ્રપાઠક હતા કે જેઓ દેવચંદ્રજીના ગુરુ હતા. અર્થાત્ શ્રી દીપચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી દેવચન્દ્રજી હતા કે જેઓએ આ જ્ઞાનમંજરી નામની સંસ્કૃત ભાષામાં જ્ઞાનસારની ટીકા બનાવી. આવા પ્રકારની ગુરુપરંપરા તેઓએ પોતે જ જ્ઞાનમંજરીના અંતે પ્રશસ્તિરૂપે લખી છે.
......વિહાર-ગ્રન્થસર્જન અને શાસન પ્રભાવના
આચાર્યદેવ શ્રી જિનચંદ્રસૂરિજીના આદેશથી શ્રી દેવચંદ્રજીએ વિક્રમ સંવત ૧૭૬૬ ના વૈશાખ માસમાં મુલતાનમાં (પંજાબમાં) વિહાર કર્યો, અને ત્યાં “ધ્યાન દીપિકા ચતુષ્પદી” નામનો ગ્રન્થ બનાવ્યો, તે ગ્રન્થની પ્રશસ્તિ આ પ્રમાણે છે –