Book Title: Fari Kyare Malse Aa Jivan Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 9
________________ गुरुपरिवारो गच्छः तत्र वसतां विपुला निर्जरा। – સ્થાનાંગસૂત્ર પ/૩ માછલાં સાથે આપણી મુલાકાત ભલે થઈ નથી પણ વગર મુલાકાતે ય એના માટે આપણે કહી શકીએ કે એની સલામતી પણ સાગરમાં, એની સમાધિ પણ સાગરમાં અને એની મસ્તી પણ સાગરમાં. સાગરથી એ અલગ થઈ નથી અને એની સલામતી પર ખતરો તોળાયો નથી. એની સમાધિ ખંડિત થઈ નથી. એની મસ્તીમાં ગરબડ ઊભી થઈ નથી. મુનિ! તારા મનને તો તું જાણે છે ને? શ્રદ્ધાના ક્ષેત્રે એ કાચું છે તો સત્ત્વના ક્ષેત્રે એ માંદુ છે. પ્રલોભન આગળ એ ઝૂકેલું છે તો પ્રતિકૂળતા આગળ એ તૂટેલું છે. સુખશીલતા એની નબળી કડી છે તો સ્વચ્છંદતા એની ગમતી કડી છે. આવી સંખ્યાબંધ નબળાઈઓ લઈને બેઠેલા મન સાથે તારે તારા સંયમજીવનની પવિત્રતા ટકાવી રાખવાની છે. સાચે જ તું એ બાબતમાં જો સફળ થવા માગે છે તો એનો શ્રેષ્ઠ વિકલ્પ એક જ છે. ગુરુકુલવાસ. ગચ્છવાસ. એકદમ સહજરૂપે તું બ્રહ્મચર્યનું પાલન ત્યાં કરી શકીશ. તપ અને ત્યાગના આવતા પ્રસંગોમાં તું ત્યાં સહજરૂપે આગળ વધી શકીશ. મનને સંકલ્પ-વિકલ્પોથી ગ્રસિત થવું અટકાવવામાં તને ત્યાં સફળતા મળશે. શરમે-ધમે પણ સ્વાધ્યાયાદિ યોગોમાં તું ત્યાં જોડાયેલો રહીશ. સર્વકર્મના ક્ષયના તારા એક માત્ર લક્ષ્યની નજીક પહોંચાડનારી વિપુલ કર્મનિર્જરા તું ત્યાં કરી શકીશ. અલબત્ત, સાગરમાં રહેતી માછલીને, અન્ય માછલીઓ તરફથી અગવડો જેમ વેઠવી જ પડતી હોય છે તેમ ગચ્છવાસમાં રહેતા મુનિને ગચ્છના અન્ય સાધુઓ તરફથી તકલીફો વેઠવી જ પડતી હોય છે એનો અમને બરાબર ખ્યાલ છે. અને તો ય અમારે તને એટલું જ કહેવું છે કે સાગરથી અલગ થઈ જતી માછલી માત્ર મૃત્યુના શરણે જ જતી હોય છે જયારે ગુરુકુલવાસથી અલગ થઈ જતો સાધુ તો દુર્ગતિઓની અનંતકાળની યાત્રાએ નીકળી જતો હોય છે. ના, આ દુસ્સાહસ તું જિંદગીમાં ક્યારેય કરીશ નહીં. અપમાન, અગવડ, ઉકળાટ, જે કાંઈ પણ વેઠવું પડે એ બધું વેઠી લઈને પણ તું રહેજે તો ગુરુકુલવાસમાં જ. અનંત સિદ્ધ ભગવંતોના સાધર્મિક બની જવાનું તારું સોણલું શીધ્રાતિશીધ્ર સફળ બનીને જ રહેશે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51