Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 36
________________ साधव:महाव्रतोच्चारणा प्रत्यहमुभयकालं विशेषस्तु पक्षान्तादिषु कुर्वन्ति। -પખીસૂત્ર ) હોશિયાર વેપારી રોજ સરવૈયું નહીં મેળવે ? કુશળ ડૉક્ટર દર્દીને રોજ નહીં તપાસ ? યુવાન માણસ બહાર નીકળતા પહેલાં દર્પણમાં પોતાનું મુખ નહીં તપાસે ? મુનિ ! અમે તને પૂછીએ છીએ. જિંદગીભરને માટે જે મહાવ્રતોનું પાલન કરવાનું તે અરિહંતાદિ પાંચની સાક્ષીએ હજારોની મેદની વચ્ચે કબૂલ કર્યું છે એ મહાવ્રતોને તું રોજ સ્મૃતિપથ પર લાવે છે ખરો? એ મહાવ્રતોના ગંભીર અર્થોને તું તારી અનુપ્રેક્ષાના વિષય રોજ બનાવે છે ખરો? જો ના, તો તુંમહાવ્રતોના વિશુદ્ધ પાલનમાં સફળ બનીશ જ શી રીતે? એક પણ જીવની વિરાધના મારે ક્યારેય કરવાની નથી આ પ્રતિજ્ઞા સ્મૃતિપથમાં રાખ્યા વિના સમિતિ-ગુપ્તિના પાલનમાં તને સફળતા મળશે કેવી રીતે ? અજાણતાં ય મારે જૂઠ બોલવાનું નથી આ પ્રતિજ્ઞાને યાદ રાખ્યા વિના તારી જાતને અસત્યોચ્ચારણથી બચાવવામાં તું સફળ બનીશ શી રીતે? એક પણ પ્રકારનું અદત્ત, મારે લેવાનું જ નથી આ પ્રતિજ્ઞાને સ્મૃતિનો વિષય બનાવતા રહ્યા વિના આધાકર્મી ગોચરીના સ્વીકારથી કે ગુવજ્ઞાભંગથી, તારી જાતને તું બચાવી શકે એ વાતમાં કોઈ માલ નથી. અબ્રહ્મના સેવનથી તો મારે દૂર રહેવાનું જ છે પરંતુ મનને અબ્રહ્મના વિચારથી પણ મારે મુક્ત રાખવાનું છે. આ પ્રતિજ્ઞાના સતત સ્મરણ વિના વિજાતીયના દર્શન માટે ઝાંવા નાખતી તારી આંખોને તું નિયંત્રણમાં રાખી શકીશ શી રીતે? વિજાતીયના દર્શન થઈ ગયા બાદ અથવા તો કરી લીધા બાદ મન ગંદી કલ્પનાઓમાં વિહરવા ન લાગે એ અંગે તું સાવધ રહી શકીશ શી રીતે? ‘અધિક ઉપકરણો મારે રાખવાના નથી અને અલ્પ પણ ઉપકરણોમાં મારે મૂર્છા રાખવાની નથી' આ પ્રતિજ્ઞાના સતત સ્મરણ વિના તું સ્વજીવનને અધિક ઉપકરણના બોજાથી અને સ્વ-મનને મૂર્છાના ધુમાડાથી મુક્ત શી રીતે રાખી શકીશ? યાદ છે તને? રોજ તું સર્વપાપના ત્યાગને સૂચવતા ‘કરેમિ ભંતે' ને નવ વાર યાદ કરે છે. કારણ ? ‘પાપ મારે એક પણ કરવાનું નથી' એ તને સતત યાદ રહે એ માટે ! તો હર્વ એક કામ કર. રોજ સવાર-સાંજ પાંચેય મહાવ્રતોનું ઉચ્ચારણ કરતો જા. કરેમિ ભંતે નવ વાર અને મહાવ્રતોનું ઉચ્ચારણ બે વાર. અલબત્ત, આ બધું ય માત્ર જીભેથી જ ન કરી જતો. મનને પણ એમાં ભેળવજે. અંતઃકરણને પણ પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓથી વાસિત બનાવતો જજે. ચંદનથી વાસિત થઈ જતી લાકડાની પેટી જો દુર્ગધનો અનુભવ નથી જ કરાવી શકતી તો મહાવ્રતોચ્ચારણથી ભાવિત થઈ જતું તારું અંતઃકરણ પાપવાસનાને જન્મ નહીં જ આપી શકે !

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51