________________
@
@ @ ૪૦ ) @ @ છે. आउसस्सन वीसासो कज्जम्मिबहूणि अंतरायाणि तम्हा हवइ साहूणं वट्टमाणजोगेण ववहारो।
- મહાનિશીથ શું
યુદ્ધ ચાલુ છે અને તોપના નાળચામાં ચકલીએ માળો બનાવીને એમાં ઇંડાં મૂક્યાં છે. ઇંડાંનું ભાવિ શું? આગ લાગી ચૂકી છે. મકાન લાકડાનું છે. અંદર પલંગ પર સૂતેલા દર્દીને લકવાનું દર્દ છે. એ દર્દીનું ભાવિ શું? હાથમાં કરવત છે. જે ડાળ પર માણસ બેઠો છે એ ડાળને એ માણસ કરવત વડે કાપી રહ્યો છે. એ માણસનું ભાવિ શું? મુનિ ! જે આયુષ્યકર્મના આધારે અત્યારે તું જીવી રહ્યો છે એ આયુષ્યકર્મનું પોત પાણીના પરપોટા જેવું છે, વીજળીના ઝબકારા જેવું છે, મેઘ ધનુષ્યના રંગો જેવું છે.
ક્યાં સુધી તારું આયુષ્ય ટકી રહેશે એની કોઈ જ નિશ્ચિત્ત આગાહી કરી શકાય તેમ નથી. એક બાજુ આયુષ્યકર્મ આવું ક્ષણભંગુર છે તો બીજી બાજુ તું કોઈ પણ કાર્ય કરવા માગતો હોય તો એમાં અંતરાય આવવાની સંભાવના ઘણી છે. શરીર અચાનક રોગગ્રસ્ત બની જાય, સંયોગો અચાનક વિપરીત ઊભા થઈ જાય, વ્યક્તિનો અભિપ્રાય અચાનક બદલાઈ જાય,
અરે, તારું ખુદનું મન જ અચાનક બદલાઈ જાય. આ સ્થિતિમાં તું કોઈ પણ ચોક્કસ કાર્ય માટે કોઈને આવતી કાલનું કે ભાવિના સમયનું વચન આપી બેસે એ કેમ ચાલે? પળ પછીની જ્યાં ખબર નથી ત્યાં કલાકો, દિવસો કે મહિનાઓ પછીનાં આયોજનો તું અત્યારથી જ નક્કી કરી દે એ શું ચાલે ? અરે, ગોચરી વહોરવા તે કદમ ઉપાડી લીધા છે. જેના ઘરે તું ગોચરી જવા ઇચ્છી રહ્યો છે એ ઘરની વ્યક્તિ ખુદ તને પોતાને ત્યાં ગોચરીનો લાભ આપવાની વિનંતિ કરી રહી છે. અને છતાં તારે એને એમ નથી કહેવાનું કે ચાલો, હું તમારા જ ઘરે આવી રહ્યો છું” તારે એને માત્ર ‘વર્તમાન જોગ” એટલું જ કહેવાનું છે. કારણ? બને કે કોક કારણસર ગુરુદેવ તને પાછો બોલાવી લે. બને કે જેના ઘરે તું ગોચરી જઈ રહ્યો છે એના ઘરે આકસ્મિક કોક માઠો પ્રસંગ બની જાય. બને કે તારા ખુદનું જીવન જોખમાઈ જાય એવા રોગનો હું પોતે શિકાર બની જાય. ટૂંકમાં, આ સિવાય બીજું પણ કંઈક બની શકે કે જેના કારણે તું એના ઘર સુધી ગોચરી જ ન પહોંચી શકે.
આ શક્યતાઓ વચ્ચે તારે ‘વર્તમાન જોગ’ સિવાય બીજું કાંઈ જ બોલવાનું રહેતું નથી. પણ સબૂર ! ગોચરી-પાણી પૂરતી જ આ વાસ્તવિકતા છે એમ તું સમજી ન બેસતો. તપ કે સ્વાધ્યાય, વૈયાવચ્ચ કે ભક્તિ, જાપ કે ધ્યાન, જે કોઈ પણ શુભ યોગનું સેવન તું કરવા માગતો હોય એ તમામ માટે પણ આ જ વાસ્તવિકતા છે. આયુષ્યનો કોઈ ભરોસો નથી અને કાર્યસેવનમાં અંતરાયો ઘણાં છે. જે પણ શુભ-સુંદર-શ્રેયોકારી તું કરવા માગતો હોય એને તું વર્તમાનમાં જ કરી લેજે. આવતી કાલનો તો નહીં પણ આવતી પળનો ય કોઈ જ ભરોસો નથી.