________________
आत्मन: प्रतिप्रदेशे सलग्नान् मायाजन्यकुसंस्कारान्
दूरीकरोतीति विनयः।
- પ્રશ્નવ્યાકરણ ).
દર્પણ પર લાગેલ ધૂળ કપડાંથી દૂર કરી શકાય છે.
ઓરડામાં પડેલ ધૂળ ઝાડુથી દૂર કરી શકાય છે. કપડાં પર ચોટી ગયેલ ધૂળ સાબુથી દૂર કરી શકાય છે. પણ મુનિ ! આત્માના પ્રદેશ પ્રદેશ પર લાગેલ કર્મોની ધૂળને જો તું દૂર કરવા માગે છે તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે, તું વિનયના શરણે ચાલ્યો જા. તું વિનયવાન બની જા. આ વિનય બહુમાનભાવરૂપ પણ છે, મધુર વચનરૂપ પણ છે તો ભક્તિરૂપ પણ છે. જે ઉપકારી છે એના પ્રત્યે ય વિનય અને જે ઉપકરણ છે એના પ્રત્યે ય વિનય જવાબ આપ તું. આ તમામ પ્રત્યેના બહુમાનભાવથી તારું હૃદય વ્યાપ્ત ખરું? આ તમામ સાથેના વચનવ્યવહારમાં તારું માધુર્ય છલકતું જ હોય એવું અનુભવાય ખરું? એ તમામની ભક્તિ કરવાની મળતી તકને તું ઝડપતો જ રહે એવું ખરું ? અલબત્ત, ‘વિનય” નું ક્ષેત્ર માત્ર આટલું જ નથી. ‘ભગતિ બાહ્ય પ્રતિપત્તિયીજી, હૃદયપ્રેમ બહુમાન, ગુણથુતિ અવગુણ ઢાંકવાજી આશાતનની હાણ'
આ તમામનો સમાવેશ વિનયમાં થાય છે. ઉપકારી અને શ્રેયસ્કારી પરિબળો-સાધનો અને વ્યક્તિઓ વગેરે તમામની બાહ્યથી સત્કાર-સન્માન-પરિચર્યારૂપ ભક્તિ, હૃદયમાં પ્રેમસ્વરૂપ બહુમાન, ગુણોની સ્તવના, અવગુણોનું આચ્છાદન અને આશાતનાનો ત્યાગ, આ બધાયનો સમાવેશ પણ વિનયમાં જ થાય છે. પોતાનો ચહેરો વ્યવસ્થિત જોવા માગતો માણસ દર્પણ પરની ધૂળ જો હટાવીને જ રહે છે, પોતાના રહેવાના ઓરડાને સ્વચ્છ રાખવા ઇચ્છતો માણસ ઓરડામાંની ધૂળ જો દૂર કરીને જ રહે છે, સ્વચ્છ વસ્ત્રોના પરિધાનને ઝંખતો માણસ જો વસ્તો પર ચોંટી ગયેલ ધૂળ દૂર કરીને રહે છે. તો અનંત અનંત કાળથી આત્માના પ્રત્યેક પ્રદેશ પર લાગતી રહેલી કર્મોની અને કુસંસ્કારોની ધૂળને દૂર કરવા તું વિનયના શરણે જતો જ રહેતો હોય તો એમાં આશ્ચર્ય શું છે? યાદ રાખજે તું, ભક્તિ સરળ છે, બહુમાન મુશ્કેલ છે. ગુણસ્તુતિ સરળ છે, અવગુણ આચ્છાદન મુશ્કેલ છે. ઉપાસના સરળ છે, આશાતનાનો ત્યાગ મુશ્કેલ છે. કારણ? ભક્તિ, ગુણ સ્તુતિ, ઉપાસનામાં હજી દંભ હાજર રહી શકે છે પણ બહુમાનભાવ, અવગુણાચ્છાદન અને આશાતના ત્યાગ તો દંભત્યાગ વિના શક્ય જ નથી. અપેક્ષા રાખીએ છીએ અને તારી પાસે કે તું આ તમામ પ્રકારના વિનયને આત્મસાત્ કરવા દ્વારા તારા આત્માને કર્મમુક્ત બનાવવામાં સફળતા હાંસલ કરીને જ રહે.