Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 49
________________ अलं विरोहेण अपंडिएहिं। - બૃહત્કલ્પ સૂર્યનો તાપ અસહ્ય લાગતો પણ હોય તો ય એની સામે ધૂળ ઉડાડવાની ચેષ્ટા કરવા જેવી નથી કારણ કે એમાં સરવાળે આપણે જ થાકવાનું હોય છે. ધૂંધળું વાતાવરણ મનને અકળાવતું હોય તો પણ એની સામે બળાપો કાઢતા રહેવાની જરૂર નથી કારણ કે એમાં આખરે તો આપણે જ નાસીપાસ થવું પડતું હોય છે. મુનિ! અમારી એક સલાહ તું દિલની દીવાલ પર કોતરી રાખ કે જે વ્યક્તિ મૂર્ખ છે, અપ્રજ્ઞાપનીય છે, તુચ્છ છે અને ક્ષુદ્ર છે એની કોઈ પ્રવૃત્તિ તને માન્ય ન પણ હોય તો ય તું એની સામે દુશ્મનાવટ ન કરી બેસતો કે તું એના વિરોધમાં ન પડતો. આનો અર્થ એવો નથી કે તું એના સહકારમાં રહેજે. ના. તારે એની ઉપેક્ષા કરતા રહેવું. એની હાજરીની પરવા ન કરવી. એના વક્તવ્યની નોંધ ન લેવી. એની સાથે આમાંથી તને ઠીક લાગે એ અભિગમો તારે અપનાવતા રહેવું પણ એની સાથે દુશ્મનાવટ ? એની સાથે વિરોધ ? હરગિજ નહીં. કારણ? એનું પોત ‘સર્પનું હોય છે. ‘વિષ્ટા'નું હોય છે. ‘કંટક'નું હોય છે. ‘ઉકરડા'નું હોય છે. * કચરાનું હોય છે. આ તમામ સાથે ડાહ્યો માણસ શું કરે છે? સર્પ નીકળે છે, માણસ ત્યાંથી દૂર થઈ જાય છે. વિષ્ટા દેખાય છે, માણસ ત્યાંથી દૂર હટી જાય છે. કંટકની ઉપસ્થિતિનો ખ્યાલ આવે છે, માણસ ત્યાં સાવધ બની જાય છે. ઉકરડો આંખ સામે આવી જાય છે, માણસ નાક આડે કપડું રાખીને આગળ નીકળી જાય છે. કચરાનો ઢેર દેખાય છે, માણસ એની ઉપેક્ષા કરીને આગળ ચાલતો થઈ જાય છે. બસ, આ જ કામ તારે કરવાનું છે, મૂર્ખાઓ પ્રત્યે, અપ્રજ્ઞાપનીય, ક્ષુદ્ર અને તુચ્છ પ્રત્યે ! તું એમ ન માનતો કે એમની સામે પડવાથી કે એમની સાથે દુશ્મનાવટ કેળવવાથી તું એમને ડાહ્યા બનાવી શકીશ કે સુધારી શકીશ. ના. દરિયાની રેતીમાંથી ઘડો બનાવવામાં કુશળ કુંભારને ય જેમ સફળતા નથી મળતી તેમ મૂર્ખાઓને અને અપ્રજ્ઞાપનીયોને સમજાવવામાં કે સુધારવામાં ખુદ તીર્થંકર પરમાત્માને ય સફળતા નથી મળતી. જો અનંતબલી પ્રભુ પણ મૂર્ખાઓ સામે કમજોર [2] પુરવાર થતા હોય તો અલ્પ બળવાળા, મંદ પુણ્યવાળા અને નબળા ક્ષયોપશમવાળા તારા જેવા માટે તો પૂછવાનું જ શું? ના. મૂર્ખ સામે મૌન, એ જ શ્રેષ્ઠ જવાબ.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51