________________
स्वसामर्थ्यत:शुभे प्रवृत्तिरेव तीर्थकृता ।
विषये बहुमानलिङ्गम्।
- યોગવિંશિકા ગા. ૬ થી
સ્વ-શકત્વનુસાર જો હું જ્ઞાનદાન કરું છું, જીવોને અભયદાન આપું છું, પાત્ર જીવોને સમાધિદાન કરું છું, વ્રત-નિયમોનું પાલન કરું છું, તપ-ત્યાગના માર્ગે આગળ વધતો રહું છું, અનિત્યાદિ બાર અને મૈત્રાદિ ચાર ભાવનાઓથી ચિત્તને ભાવિત કરતો રહું છું, સમિતિ-ગુપ્તિના પાલન માટે સાવધ રહું છું, સ્વાધ્યાયાદિમાં લીન રહું છું તો હું સાચે જ પરમાત્મા પ્રત્યે બહુમાનભાવ ધરાવું છું જ્યારથી આ શાસ્ત્રવચન વાંચવામાં આવ્યું છે. ત્યારથી મનમાં એક અલગ પ્રકારની જ વિચારણા ચાલુ થઈ ગઈ છે. સૂર્યને સ્પર્શવાનું માધ્યમ જો સૂર્યનાં કિરણો જ છે, ચાંદનીના માધ્યમે જ જો ચન્દ્રને સ્પર્શી શકાય છે તો સ્વ-શકયનુસાર શુભ પ્રવૃત્તિ કરવા રહેવાથી જ પ્રભુને સ્પર્શી શકાય છે. ‘મુનિ ! તાત્પર્યાર્થ આનો સમજાય છે તને? વિહરમાન તીર્થકર ભગવંતોના દર્શનનું કે એમના સાંનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય તને નથી સાંપડ્યું એ બદલ તારે લેશ પણ વ્યથા અનુભવતા રહેવાની કે ગ્લાનિ અનુભવતા રહેવાની જરૂર નથી.
જો તું એમની આજ્ઞાનુસાર સ્વજીવનમાં સાધના-આરાધના-ઉપાસના કરી જ રહ્યો છે તો તું એ તારકના પાવન સાંનિધ્યમાં જ છે એમ સમજી લેજે. અને આનાથી વિપરીત. માની લે કે વિહરમાન તીર્થકર ભગવંતના દર્શનનું કે એમના પાવન સાંનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય જ તને સાંપડ્યું છે પણ તારા જીવનમાં જો એમની આજ્ઞાઓનું શક્તિ છતાં પાલન નથી, થઈ રહેલ આજ્ઞાભંગ બદલ કોઈ ડંખ પણ નથી કે વેદના પણ નથી તો નિશ્ચિત્ત સમજી રાખજે કે તને તીર્થંકર ભગવંત પ્રત્યે બહુમાનભાવ જ નથી. યાદ રાખજે તું. માત્ર એમનું નામસ્મરણ જ કરતા રહેવું કે એમનામાં રહેલ ગુણોનું માત્ર કીર્તન જ કરતા રહેવું એ કાંઈ એમના પ્રત્યેના બહુમાનભાવનું લિંગ નથી. એમના પ્રત્યેના બહુમાનભાવનું આ એક જ લિંગ છે. સ્વશકત્વનુસાર શુભમાં પ્રવૃત્તિ. વાંચી તો છે ને તેં આ પંક્તિઓ ? ‘પામ્યા, પામે, પામશે રે, જે કોઈ જ્ઞાનાદિ અનંત; તે તુજ આણ લહે થકે રે, માનવિજય ઉલ્લસંત’ વાસ્તવિકતા સ્પષ્ટ છે. પિતાજીની આજ્ઞાનું ઉલાળિયું કરતા પુત્રને પિતાજી પોતાની સાથેના એના પુત્ર તરીકેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધાની જાહેરાત જો કરીને જ રહે છે તો પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહેલ સાધક, પ્રભુ ખુદ જાહેરાત ન પણ કરે તો ય આપોઆપ એમની આજ્ઞાની બહાર થઈ જ જાય છે. તારા લમણે આવું દુર્ભાગ્ય માત્ર આ જનમમાં જ નહીં, કોઈ પણ જનમમાં ન ઝીંકાય એનું ધ્યાન રાખવાની અમે તને ભલામણ કરીએ છીએ.
૨૧