________________
૧૦૪
ધર્મબીજ આ બધાં વૈચિત્ર્યમાં તે મહામધ્યસ્થને સામ્ય પણ અતૂટ દેખાય છે. સર્વ ચિત્રવિચિત્ર આકૃતિઓમાં જીવસ્વરૂપને નિહાળી નિહાળી તે અપૂર્વ એવા આનંદને અનુભવે છે. એમ પુણ્ય અને પાપની મહાલીલાને બતાવતા આ વિશ્વરૂપ મહાનાટકનો તે મહાપ્રેરક બને છે.
પરમાણુપુંજ : સચેતન વસ્તુઓને વિષે ઉપર બતાવ્યું તેમ જીવનું સ્વરૂપ, કર્મવિપાક વગેરે ચિંતવવું જોઈએ. અચેતન વસ્તુઓ વિષે રાગ-દ્વેષ ન થાય તે માટે અનિત્યસ્વાદિ ભાવનાઓ કહી છે, અથવા સમગ્ર અચેતન સ્કંધોનું મૂળ કારણ જે પરમાણુ છે તે તરફ આપણે આપણા વિચારને લઈ જઈએ તો પણ માધ્યશ્ય પ્રાપ્ત થાય છે. ઘર, મોટર વગેરે બધી વસ્તુઓ પરમાણુઓના પુંજ છે, એમ કલ્પના કરવી જોઈએ. જુદી જુદી આકૃતિઓને ધારણ કરતા તે પુંજોમાં મહામધ્યસ્થને રાગ કે દ્વેષ થતો નથી.
આત્મજ્ઞાન : આત્મજ્ઞાન વિના ઉચ્ચ પ્રકારનું સર્વ વિષયક માધ્યશ્ય કદી પણ પ્રગટ થતું નથી. મધ્યસ્થ બનવા ઇચ્છનાર પ્રત્યેક મુમુક્ષુ માટે આત્મજ્ઞાન અતિ આવશ્યક હોવાથી તેનું થોડુંક સ્વરૂપ અમે અહીં રજૂ કરીએ છીએ.'
આત્મા એક જ છે : સંગ્રહનયની દૃષ્ટિએ “આત્મા એક જ છે.” સંગ્રહનય આ વિશ્વને એક “મહાસામાન્ય” માને છે. વિશ્વ આમ તો ધર્માસ્તિકાયાદિ પદ્રવ્યાત્મક છે, તથાપિ આધ્યાત્મિક દૃષ્ટિએ પર દ્રવ્ય અનુપયોગી હોવાથી આ નયના મતે એક આત્મા તે જ મહાસામાન્ય છે. વેદાન્ત મતના અનુયાયીઓ બ્રહ્માને એક અદ્વિતીય માનીને મધ્યસ્થ બનાવવાના પ્રયત્નો કરે છે. એક જ આત્માને માનવાથી રાગ, દ્વેષ વગેરે કોના ઉપર થાય? જ્યાં વૈત છે, ત્યાં જ રાગ દ્વેષાદિની કલ્પના જન્મે છે.
આત્મા નિર્વિકાર છેઃ આત્માઓમાં જે ભેદ દેખાય છે, તે વ્યવહારનયને ઇષ્ટ છે. વ્યવહારનય એકેન્દ્રિયાદિ ભેદે આત્માઓને ભિન્ન માને છે.
૧. અહીંથી શરૂ થતો વિષય સુજ્ઞ પુરુષોએ નયદૃષ્ટિએ વિચારવો, જેને નયોનું જ્ઞાન નથી,
તેણે આ વિષયમાં બહુ ઊંડા ઊતરવું. “અધ્યાત્મસાર'ના “આત્મવિનિશ્ચયાધિકારનો આધાર લઈને આ વિષય અહીં આપવામાં આવ્યો છે, જિજ્ઞાસુઓએ વિશેષ જ્ઞાન માટે એ વિષય ત્યાં જોવો જોઈએ. આ વિષય કેવળ વાંચી જવા માટે નથી, પણ આત્માને તેનાથી ભાવિત કરવા માટે છે. નિરૂપણમાં નિશ્ચયદષ્ટિને પ્રાધાન્ય છે, તે યાદ રાખવું.