________________
સાધકનું સમાધાન
-
-
-
મુ. વડાલી, તા. ૪-૭-૧૯૬૪
વિ. સં. ૨૦૨૦ જેઠ વદ ૮, શુક્રવાર તમારી સાધના બરાબર ચાલે છે? ભાઈ! તમારી પૂર્વજન્મની સારી તૈયારી છે ને સારી એવી સદ્ગુણ સંપત્તિ તમે સાથે લાવ્યા છો, ખાસ કરીને “નિખાલસતા, સૌજન્યતા, સરળતા, સહૃદયતા, સંવેદનશીલતા ને લાગણીથી ધબકતું હૃદય, બીજાને ઉપયોગી થવાની વૃત્તિ, ઉદાર દિલ” આ ગુણો તમારામાં વિકસેલા છે. સાધક માટે આ સદ્ગુણ સંપત્તિ છે, જેના વિના સાધનાનાં મંડાણ થઈ શકતાં નથી. તમારે આ માટે અહં કરવા જેવો નથી પણ આ જાણવાની જરૂર છે. હવે આ ભૂમિકા ઉપર રચના કરવાની છે. “ઉતાવળ ને અધીરતા” – આ થોડાક ઘટાડવા જેવા ખરા એટલે વધુ સ્વસ્થતા પ્રાપ્ત થશે.
તમે બુદ્ધિપ્રધાન છો એટલે તમારી સાધના બુદ્ધિના પાયા ઉપરની જ જોઈએ ને એ માટે મુખ્ય સાધન છે વિચાર. વિચાર જ્યાંથી ઊઠે છે તે તત્ત્વની ગવેષણા એ મૌલિક સાધના છે. વિચાર “એક્ષન” ગતિ ક્રિયા છે. પણ એનો પ્રેરક કોણ છે? એની શોધમાં બુદ્ધિને કેન્દ્રિત કરવી. બાહ્ય સૃષ્ટિથી અધિક રળીયામણી આંતરસૂષ્ટિ છે ને બુદ્ધિની પગદંડીએ એમાં પ્રવેશવાનું છે.
પ્રાથમિક સ્થિતિમાં સતત મંત્રજપ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ શોધક અને પોષક છે. એ વૃત્તિનું શોધન કરે છે ને સત્ત્વનું પોષણ કરે છે. ૧૫ મિનિટ તમારો સ્થૂલ પ્રયોગ થાય પણ તમે ચિત્તની ભૂમિકા ઉપર ચૈતન્યના સ્વામી સાથે સતત સંબંધ જાળવી શકો જેને સુરતા યોગ કહે છે અથવા સહજ યોગ કહે છે. સુરતા એટલે લક્ષ્ય, એને અલક્ષ્ય જે પરમાત્મા એમાં જોડવી એ એક યોગની અદ્ભુત પ્રક્રિયા છે. ભાઈ! સ્કૂલ શરીર ને કુશળ ઈદ્રિયો માટે જ નથી જીવવાનું પણ અંદર ભરેલો જે નિજ વૈભવ એની પ્રાપ્તિ માટે જીવવાનું છે. બસ આનું મનન કરજો.
બેની સાધના કેમ ચાલે છે? જે ભૂમિકા પ્રાપ્ત કરી છે તે ગુમાવશો નહિ. સતત વિકાસશીલ રહેશો. ત્યાંના વાતાવરણ સાથે સુમેળ સાધી શકાય છે ને? વિસંવાદ ઊભો નથી થયો ને? હવે જપથી આગળ જવું જોઈએ. મંત્રમય ચેતનાને મંત્રમય
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org