Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
દેતી વખતે સીધો ઉત્તર ન આપતા, આખા પ્રશ્નનો ફરીથી ઉલ્લેખ કરી, તેનો વિગતથી જવાબ આપે છે અને ઉત્તર પ્રાપ્ત કરી પુનઃ સમગ્ર પ્રશ્નનો ફરી ફરી ઉલ્લેખ કરવામાં આવે છે. આજની શૈલીમાં આ પદ્ધતિ બહુ જ ગ્રાહ્ય ન ગણાય, વાંચનારને ખૂબ લાંબુ લાગે, પરંતુ જે યુગમાં શાસ્ત્રો લખાયા ન હતા અને બધા પાઠો કંઠસ્થ રાખવામાં આવતા, ત્યારે આખાને આખા પાઠ સ્વતઃ જીભ ઉપર ચડે, તે રીતે વારંવાર બોલવાની પદ્ધતિ હતી, પન્નવણામાં પણ આ પદ્ધતિનો ભારોભાર ઉપયોગ કરવામાં આવ્યો છે.
હવે આપણે આ પદોમાં બીજા કેટલાક ઉદાહરણોમાંથી એક-બે નો ઉલ્લેખ કરી વિરામ કરીશું. નારકી વિશે ગૌતમસ્વામી પૂછે છે કે– તેઓ બધા સમાન કર્મવાળા છે કે ઓછા વત્તા કર્મવાળા છે ? બધા નારકી સમાન વર્ણવાળા છે અર્થાત્ બધા કાળા જ છે ? અને એ રીતે સમાન વેદનાવાળા છે ? આ પ્રશ્નનો ઉત્તર જે રીતે અપાયો છે, તે એક મહત્ત્વપૂર્ણ ભાવ પ્રગટ કરે છે. જે નારકીઓ પહેલાથી નરકમાં આવી ગયા છે અને જે નારકીઓ બહુ જ પાછળથી આવ્યા છે તે બંને નારકીઓની અસમાનતાનું કારણ તેનો કર્મભોગ છે અર્થાત્ જે નારકીઓ ઘણા કાળ સુધી નરકમાં રહ્યા. તેના કર્મ ખોખરા થઈ ગયા છે. જ્યારે નવા જે નારકી આવ્યા છે તે ઘણા જ ભારે કર્મી છે, અહીં દાર્શનિક પૃષ્ઠભૂમિનો એ વિલક્ષણ જવાબ મળે છે. સાધારણ રૂપે એમ મનાય છે કે જીવનો ભાવ સાથે સંબંધ છે પરંતુ એકાંતે એવું નથી. જે નારકીઓ માર ખાઈ રહ્યા છે તેના ભાવ લગભગ વિષમ હોય છતાં અશુભકર્મ ભોગની ક્રિયાથી તેના કર્મ જરી જાય છે અને તેમના ભાવો કર્મ બંધનમાં વૃદ્ધિ કરી શકતા નથી. જો શાસ્ત્રકારે આ મહાસત્યનો ઉલ્લેખ ન કર્યો હોત અને કેવળ ભાવને આધારે કર્મબંધ થાય છે, તેવું માન્યું હોત તો નરકમાંથી નારકી બહાર નીકળવાની શક્યતા જ ન ધરાવે, તેવી પરિસ્થિતિ સરજાય જાત.
જીવમાં ત્રણ ક્રિયા ચાલુ રહે છે– (૧) ઉદયમાન કર્મને ભોગવવા અને કર્મના બંધોને ઓછા કરવા. (૨) ભોગવતી વખતે વેદન પરિણામોનો અનુભવ કરવો અને (૩) વેદન પરિણામ વખતે સમભાવ કે વિષમભાવ જળવાઈ રહે. આમ સમભાવે કર્મો ભોગવાય, તો નિર્જરા થાય, તે તો હકીકત છે જ, પરંતુ ક્યારેક વિષમભાવે પણ ઉદયમાન કર્મોની વેદનાથી કર્મબંધો હલકા થાય છે અને જીવ લઘુકર્મી બને છે. આ વિષમ ભાવો વિષમ હોવા છતાં ક્રિયાત્મક ન હોવાથી નૈરિયકો પુનઃ નરકગતિનો બંધ કરી શકતા નથી. તેથી જ નારકી જીવો હલકા ફૂલ થઈને પુનઃ તિર્યંચ કે મનુષ્યની ગતિમાં પહોંચી જાય છે. અહીં ભગવાને કેટલી બધી મહત્ત્વપૂર્ણ વાત કરી છે. જે લોકો ફક્ત પરિણામવાદી બની જૈન દર્શનને ક્રિયાવાદથી અલગ કરી, ફક્ત પરિણામોને જ મહત્ત્વ આપે છે. તેઓ એકાંતવાદી છે; તેમ સમજવું જોઈએ. સાથે સાથે નારકી સમાન વર્ણ- વાળા નથી, તેનો જવાબ પણ પ્રભુએ આ જ રીતે આપ્યો છે. હે ગૌતમ ! જે નારકીઓ નરકમાં નવા આવ્યા છે તે ખૂબ જ કાળા હોય છે પરંતુ ઉત્તરોત્તર ઘણો કાળ વ્યતીત થયા પછી નરકમાં લાંબુ આયુષ્ય ભોગવ્યા
AB
25