________________
કાનમાં ખીલા ઠોક્યા - છેલ્લો ઉપસર્ગ
ધ્યાન પૂર્ણ કરી તેઓ ગોચરી માટે ગામમાં ગયા. તેઓ સિદ્ધાર્થ નામના વેપારીને ઘેર ગયા. તે સમયે વેપારી સાથે તેમના વૈદ્ય મિત્ર બેઠેલા હતા. બંનેએ મહાવીરસ્વામીને ગોચરી વહોરાવી.
વૈદ્ય સિદ્ધાર્થને કહ્યું, “મિત્ર, સાધુના મુખ પર દૈવી તેજ હતું પણ દુ:ખની છાયા પણ હતી. કોઈ અંદરનું દુ:ખ તેમની આંખોમાં દેખાતું હતું. આ મહાન સાધુ કોઈ દર્દથી પીડાય છે.”
સિદ્ધાર્થે જવાબ આપ્યો. “આવા મહાન સાધુને કોઈ દર્દ હોય તો આપણે તરત જ ઉપાય કરવો જોઈએ.”
કાનમાંથી પીલા દૂર કરાતા થતી વેદનાને શાંતિથી સહન કરતા મહાવીરસ્વામી
ગોચરી લઈને ભગવાન મહાવીરસ્વામી પાછા ફર્યા. વૈદ્ય અને સિદ્ધાર્થ તેમની પાછળ પાછળ તેઓ જ્યાં ઉતર્યા હતા ત્યાં ગયા. તેમને તપાસતાં તેમના કાનમાં ઘાસની અણીદાર શૂળો ખોસેલી જોઇ. તેમણે જરૂરી દવાઓ તથા ઉપચારના સાધનોની સગવડ કરી. અને શૂળો કાઢવામાં સરળતા રહે તે માટે ભગવાનને તેલથી ભરેલાં કૂંડામાં બેસાડી તેલથી આખા શરીરે માલીશ કરીને કાનની શૂળો ખેંચી કાઢી. અસહ્ય વેદનાને કારણે મહાવીરથી ચીસ પાડી દેવાઈ. વૈદ્ય ઘા પર દવા લગાવી. ભગવાન મહાવીર ત્યાં જ તરત જ શાંતિથી અને સ્થિરતાથી ઊંડા ધ્યાનમાં ચાલ્યા ગયા.
મુસીબતના દરેક પ્રસંગે શારીરિક કષ્ટ અને ખાંડા ઉપર મહાવીરના મન અનૅ અાત્માનો જય દેખાય છે. તેમનું ધ્યાન અને પ્રાયશ્ચિત તેમના આત્માને શુદ્ધ કરે છે. આને લીધે તેઓ પોતાની જાતને ભૌતિક ક્ષણભંગુર ચીજોથી અલગ કરી શાશ્વત ઍવા આત્માની મુક્તિ ઉપર પોતાનું ધ્યાન કેંદ્રિત કરે છે.
જૈન કથા સંગ્રહ