________________
સમકાલીન જૈન વિભૂતિ
કાવ્ય રચના કરી પછી તેમણે સામાજિક બનાવોને સ્પર્શતા કાવ્યો લખ્યા અને તે કાવ્યો સ્થાનિક સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયા. ઉંમરમાં નાના હોવા છતાં તેમણે સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળલગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા.
ઘણી નાની ઉંમરે ભવિષ્યમાં શું બનશે તે જોવાની અલૌકિક શક્તિ તેમને હતી. તેથી ઘણાં લોકોને આવી પડનારી તકલીફોમાં મદદ કરી હતી. ૧૮ વર્ષની ઉંમરે તેઓ નિષ્ણાત જ્યોતિષી બન્યા. તેઓ ચોપડીને ખાલી અડીને ઓળખી બતાવતા તથા રસોઈ ચાખ્યા વિના તેના સ્વાદ વિષે કહી શકતા. આવી બધી અસામાન્ય શક્તિઓના વિકાસની સાથે સાથે તેઓ પ્રાણીમાત્ર તરફ દયાળુ અને અહિંસાના ચુસ્ત આગ્રહી બન્યા.
કુટુંબ -
૨૦વર્ષની ઉંમરે ઈ. સ. ૧૮૮૮ માં (વિ. સં. ૧૯૪૪)માં રાજચંદ્રના લગ્ન ઝબકબેન સાથે થયા. ઝબકબેન રાજચંદ્રના ધંધાદારી ભાગીદાર શ્રી રેવાશંકરભાઈના મોટાભાઈ પોપટલાલ જગજીવનદાસની દીકરી હતાં. રાજચંદ્રને ચાર સંતાનો હતાં. બે દીકરા શ્રી છગનલાલ અને શ્રી રતિલાલ તથા બે દીકરીઓ શ્રીમતી જવલબેન અને શ્રીમતી કાશીબેન, શ્રીમદ્ ને મનસુખભાઈ નામે નાનો ભાઈ હતો.
૨૦ વર્ષની ઉંમરે (ઈ. સ. ૧૮૮૮) શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈમાં હીરાના ધંધામાં ભાગીદાર થયા. ધંધાના તમામ વ્યવહારમાં તેઓ બિલકુલ નૈતિક, પ્રમાણિક અને દયાળુ હતા. ધંધાકીય સૂઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો. સત્ય માટેનું માન, નૈતિક મૂલ્યો માટેની પ્રીતિ તથા યોગ્ય હોય તે કરવાની મક્કમતાએ બીજાને પણ તેમ કરવાની પ્રેરણા આપી. ઈ. સ. ૧૮૯૯ (વિ. સં. ૧૯૫૫) માં ૩૧ વર્ષની ઉંમરે તેમણે ધંધામાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઈ લીધી.
એવધાન-શક્તિ – ૧૭ વર્ષની ઉંમરે શ્રીમદે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ જોયો જેને અષ્ટાવધાન કહે છે. એની પદ્ધતિ તેઓ શીખ્યા પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને બાવન અવધાન એક સાથે કરવા શક્તિમાન બન્યા. તેઓ જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે મુંબઈના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા મહાનુભાવોની હાજરીમાં તેમને અવધાનના પ્રયોગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે ૧OO અવધાન (ક્રિયાઓ) સફળતાપૂર્વક કરી બતાવ્યાં જે શતાવધાનના નામે ઓળખાય છે. ૧૦૦ અવધાનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે પાનાં રમવા, ચેસ રમવી, ઘંટના અવાજ ગણવા, ગણિતના સરવાળા, ભાગાકાર, ગુણાકાર કરવા, જુદા જુદા વિષયો પર કાવ્યો રચવા, અંગ્રેજી, ગ્રીક, લેટીન, એરેબિક જેવી ૧૬ જુદી-જુદી ભાષાઓના શબ્દો ગોઠવવા વગેરેનો સમાવેશ થતો. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે શ્રીમદે પ્રાથમિક શાળાના ગુજરાતી સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. આ એક માની ન શકાય તેવી મોટી સિદ્ધિ હતી, અને મુખ્ય સમાચાર પત્રો જેવા કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, પાયોનીયરમાં તેમની સિદ્ધિની જાહેરાત થઈ. શ્રીમદ્રને પોતાની અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો કારણ કે જૈનધર્મના ધોરણો પ્રમાણે ત્યાં રહેવું અઘરું પડે અને આધ્યાત્મિક પ્રગતિનો પોતાનો મુખ્ય હેતુ માર્યો જાય. ૨૦વર્ષના થતાં થતાં તો તેમની કીર્તિ આખા ભારતમાં ફેલાઈ ગઈ, પણ તેમને સમજાયું કે પોતાની આગવી શક્તિને કારણે તેઓ જે મેળવી રહ્યા છે તે કેવળ સ્થૂળ લાભ જ છે જે તેઓનું ધ્યેય ન હતું. તેમણે આ બધી પ્રવૃત્તિ સદંતર છોડી દીધી. અને આત્મસંયમ, દુનિયાદારીના સુખોનો ત્યાગ, ચિંતનમનન અને આધ્યાત્મિક પ્રગતિ માટે ધ્યાન પર જ મનને સ્થિર કર્યું જેથી જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવી શકાય.
(138
જૈન કથા સંગ્રહ