________________
[૧૦]
વીર રામમૂર્તિ આટલો બધો ભેરુ ! હનુમાન અને લક્ષ્મણનો દોસ્ત આટલો બધો નિર્બળ ! હારે એ તો માનવી જ નહીં !”
આવી નિરાશા અને નિર્બળતા ઉપર મનની મક્કમતાથી વિજય મેળવ્યો. રોજ સવારે વહેલાં ઊઠીને નવ કિલોમીટર દોડ લગાવે અને લશ્કરી છાવણી સુધી પહોંચી જાય. અહીં સિપાઈઓ સાથે કુસ્તી લડે, કુસ્તીના અવનવા દાવપેચ શીખે અને વળી પાછી નવ કિલોમીટરની દોડ લગાવીને ઘેર પાછો આવે.
ઘેર આવીને કશો આરામ કરવાનો નહીં. ઘેર પણ અખાડો બનાવ્યો. એમાં દોઢસો જેટલા જુવાનિયા કુસ્તી ખેલવા આવે. એ બધાની સાથે બરાબરની કસ્તી ચાલે અને પછી તરવા નીકળી પડે. તરીને બહાર નીકળે ત્યારે તો એટલો થાક લાગે કે પોતાના પગ પર ઊભો પણ ન રહી શકે. એના સાથીઓ એને ઉપાડીને ઘેર લઈ જતા. થોડો થાક ખાઈને સાંજ થતાં પાછી એની કસરત ચાલુ થતી. પંદરસોથી ત્રણ હજાર દંડ ને પાંચ હજારથી દસ હજાર બેઠક કરે.
બસ, રાતદિવસ એક જ રટણ... શરીર કેમ વધુ બળવાન બને એની જ લગની. રાત્રે સ્વપ્નાં પણ કુસ્તીનાં જ આવતાં.