________________
વીર રામમૂર્તિ
૩િ૩] બનાવવાનો એમનો સંદેશ ચોતરફ ગૂંજી રહ્યો. એમણે શરીર અને મનની એકાગ્રતા માટે યુવકોને હાકલ કરી. શરીર અને મન બંનેથી નમાલાં અને કમજોર યુવકયુવતીઓને જોઈને એમનું અંતર કકળી ઊઠતું હતું.
એમના જીવનનો એક જ અભિલાષ હતો અને તે ભારતનાં કુમાર અને કુમારિકાઓનો ઉત્કર્ષ. દેશના જુવાનોનું જીવન પ્રફુલ્લ બને, એમની યુવાની તમન્ના, તાકાત અને તંદુરસ્તીથી ખીલી ઊઠે તેવી રામમૂર્તિની ઝંખના હતી. નીરોગી અને મજબૂત શરીરમાં જ તેઓ બળ, દ્રવ્ય અને બુદ્ધિની સાર્થકતા જોતા હતા.
રામમૂર્તિએ માત્ર દેહની તાકાત પર ભાર મૂક્યો નથી, એમણે દિલની તાકાતનો પણ વિચાર કર્યો. શરીરમાં તાકાત એકઠી કરવી એટલું જ એમનું ધ્યેય નહોતું, એમણે તો કહ્યું કે “જેટલી શરીરની કેળવણી એટલી જ મનની કેળવણી. શરીર અને મન એ બંનેની એકાગ્રતા સધાવી જોઈએ. અંગબળ અને આત્મબળનો સુભગ સુમેળ થવો જોઈએ.” રામમૂર્તિએ પોતાના જીવનમાં અંગબળથી સહુ કોઈને આશ્ચર્યમાં ડુબાડી દે તેવા પ્રયોગો બતાવ્યા જ્યારે પોતાના દઢ આત્મબળથી આ બળવાન માનવીએ જીવનમાં આવેલી એટલી જ જબરજસ્ત અને ભયાનક આપત્તિઓનો સામનો કર્યો.