________________
મલ્લમુનિને વિચાર આવ્યો કે ‘ગુરુ ભગવંતે બધું શાસ્ત્રજ્ઞાન આપવા છતાં ‘નયચક્ર’ આ પ્રમાણગ્રંથ વાંચવાનો કેમ નિષેધ કર્યો ? અવશ્ય તેમાં કાંઈ અપૂર્વ હશે.’ આમ વિચારી સાધ્વીજીની નજર ચૂકવી ભંડારમાંથી મલ્લમૂનિએ તે ગ્રંથ લીધો અને વાંચવાનો પ્રારંભ કર્યો. પરમાર્થને જણાવનારો પ્રથમ જ શ્લોક વાંચ્યો, ‘વિધિ, નિયમ, ભાંગા અને વૃત્તિથી રહિત હોવાથી જૈન દર્શનથી અન્ય શાસન અનર્થકારી છે, અબોધવાળું છે, સાચું નથી.' આંખ બંધ કરી મલ્લમુનિ આ પ્રથમ શ્લોકનું ચિંતન કરે છે તેટલામાં તો શાસનદેવીએ તે ગ્રંથ સંહરી લીધો. આ જાણી મલ્લમુનિને ઘણો ખેદ થયો.ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ક૨વાનું દુ:ખ થયું. માતાને અને સંઘને પણ ઘણું દુ:ખ થયું. પશ્ચાતાપ કરતા મલ્લમુનિએ અભિગ્રહ લીધો કે ‘જ્યાં સુધી નયચક્ર ગ્રંથની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વાલનું ભોજન કરીશ, છ વિગઈનો ત્યાગ કરીશ અને પર્વત ઉ૫૨ (ગુફામાં) રહીશ.’ સંઘે પણ પૂજનાદિ કરીને શ્રુતદેવીની આરાધના કરી. મલ્લમુનિની કઠોર તપસ્યા અને સંઘની આરાધનાથી શ્રુતદેવી પ્રસન્ન થઈ મલ્લમુનિને વરદાન માગવા કહ્યું. મલ્લમુનિએ ‘નયચક્રગ્રંથ’ની માગણી કરી. શ્રુતદેવીએ વરદાન આપતા કહ્યું, ‘તારા મુખકમલથી નીકળતા પહેલા શ્લોકથી જ તું સવિશેષ રીતે અગ્રીમતાને પામીશ - સર્વ વાદીઓમાં અગ્રેસ૨ થઈશ.’ મલ્લમુનિના મુખરૂપી કુંડમાંથી સરસ્વતીના પ્રવાહની જેમ નીકળીને પૂર્ણ ગ્રંથ પ્રકટ થયો. સંઘે ઘણા બહુમાન સાથે વલ્લભીપુરમાં મલ્લમુનિનો પ્રવેશ કરાવ્યો. ત્રણે મુનિઓ વિશિષ્ટ જ્ઞાની હતા તેમાં પણ પ્રમાણના વિષયમાં તીવ્ર શક્તિ સંપન્ન થયા, તેથી વાદવિવાદમાં પણ ઘણાજ પ્રતિભાશાળી થયા.
હવે મલ્લમુનિના મનમાં પોતાના ગુરુનો બૌદ્ધાચાર્ય સાથે થયેલો પરાભવ ડંખતો હતો. એટલે વલ્લભીપુરથી વિહાર કરી ભરૂચ આવી રાજસભામાં બૌદ્ધાચાર્ય સામે વાદનો પડકાર કર્યો. બુદ્ધાનંદના કહેવાથી મલ્લસૂરિએ વાદની શરૂઆત કરી. જૈનદર્શનને માન્ય પાંચ પ્રકારના પ્રત્યક્ષ અને પાંચ પ્રકારના પરોક્ષ પ્રમાણથી મલ્લસૂરિએ બુદ્ધદેવના બળનું ખંડન કર્યું. નયચક્રગ્રંથના પ્રભાવથી છ દિવસ સુધી પૂર્વપક્ષ કહ્યા. સાતમે દિવસે બુદ્ધાનંદ કંઈ પણ પ્રત્યુત્તર આપવા સમર્થ ન હોવાથી અપયશના ભયથી રાતે એમણે પ્રાણનો ત્યાગ કર્યો.
૭૬
સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો