________________
એને શિકાર છોડી દેવા ઘણું સમજાવ્યો પરંતુ એ ન સમજતા રાજાએ પુત્રને નગર ત્યજવાનું કહ્યું. એટલે સંગ્રામસૂર નગરથી બહાર રહે છે અને દરરોજ સવારે જંગલમાં જ ત્યાંના પ્રાણીઓને મારીને પોતાની આજીવિકા ચલાવે છે. એક વખત શિકાર માટે રાખેલા કેટલાક કૂતરાઓને ઘરમાં જ રાખી કોઈ પ્રયોજનવશ સંગ્રામસૂર બીજા નગરમાં ગયો. ત્યારે તેના ઘરના નજીકમાં રહેલ ઉપાશ્રયમાં શ્રુતકેવલી અને અવધિજ્ઞાની એવા શ્રી શીલંધરાચાર્ય પધાર્યા હતા. એમણે કૂતરાઓને પ્રતિબોધવા માટે મધુર વચનોથી કહ્યું, “ક્ષણ માત્રના સુખની ખાતર જે મહાપાપી જીવો નિરપરાધી જીવોને હણે છે તે રાખ જેવી તુચ્છ વસ્તુ માટે હરિચંદન જેવા ઉત્તમ વૃક્ષોને બાળે છે. જે જીવો દયારહિત થઈને બીજો ધર્મ કરે છે તે ઉત્તમ હાથીને છોડીને છેદાયેલા કર્ણવાળા ગધેડા ઉપર આરોહણ કરે છે. જે સમુદ્રના જલના બિંદુઓનું માપ જાણે છે, જે ગગનમાં રહેલા નક્ષત્રોનું પ્રમાણ જાણે છે તે જ જ્ઞાની અભયદાનમાં કેટલું પુણ્ય છે તે વર્ણવી શકે છે.' આચાર્યશ્રીના આ વચનો કૂતરાઓ એકાગ્ર ચિત્તથી સંભળતા તેઓ પ્રતિબોધ પામી વિચારે છે, અમે તો પુણ્ય, પાપ ઈત્યાદિ અને એના વિપાકોને જાણતા ન હોવાથી અમે પારકા (સંગ્રામસૂર) માટે ઘણી જીવહિંસા કરી નરકગતિનું પાપ કર્યું છે. હવેથી નરકના માર્ગભૂત એવી હિંસા કરવી નથી.' એવો સંકલ્પ કરે છે. સંગ્રામસૂર બીજા નગરથી પાછો આવે છે અને બીજા દિવસે કૂતરાઓને લઈ જંગલમાં શિકાર માટે જાય છે પરંતુ જંગલમાં કૂતરાઓ હરણોને મારવા જતા નથી. સંગ્રામસૂરના ઘણા પ્રેરવા છતાં તેઓ ત્યાંજ સ્થિર ઊભા રહે છે. આ જોઈ સંગ્રામસૂરને તપાસ કરતા ખબર પડે છે કે આ કૂતરાઓ જૈનમુનિથી જીવદયા પાળવા માટે પ્રતિબોધ પામ્યા છે. તેથી કુમાર વિચારે છે કે ધન્ય છે તે મુનિને જેઓએ પશુઓને પણ પ્રતિબોધ કર્યો છે અને હું મનુષ્ય થઈને પણ નિરપરાધ જીવોની હત્યા કરું છું અને કુમાર એ મુનિ પાસે જઈ નમન કરીને ધર્મનું રહસ્ય સમજાવવાની વિનંતી કરે છે. ગુરુ ધર્મનું રહસ્ય સમજાવે છે, “અઢાર દોષ રહિત વિતરાગ જિનેશ્વર પરમાત્મા જ સાચા દેવ છે. માટી અને કંચન જેને સમાન છે તે સાચા ગુરુ છે. જીવદયા એ જ સાચો ધર્મ છે. ત્રણે કાળના જિનેશ્વર પરમાત્માઓ આ જ પ્રમાણે પ્રરૂપણા કરે છે. સર્વે જીવોની હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને અનુમોદવી નહિ.”
૧૦૮
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )