________________
પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ઉપશાંતશ્રીજી “બા” મહારાજ
સંસારી ઢબલીબહેન/વિરમતિબેન અડસઠ વર્ષની જૈફ વયે હાર્ટ, પ્રેશર, ડાયાબિટીશની ત્રીપીડા છતાં દિયેર જયંતીભાઈ તથા પતિદેવ શ્રી શાંતિભાઈ (બ્યાસી વર્ષના)ની સાથે ભગવાને મોક્ષમાર્ગ માટે દર્શાવેલ રસ્તે સિંહની જેમ નીકળી પડ્યાં. ગણિતમાં હોશિયાર, હાઇએસ્ટ માર્ક્સ મેળવનારા, ૧૦૦માંથી ૯૯ માર્ક્સ આવે તો ગણિતશિક્ષકને જવાબ આપતા પસીનો છૂટે એવા પાકા ગણતરીબાજ જીવનની ફીલસૂફીમાં પણ એમને પાકી ગણતરી કરી લીધી હોવી જોઈએ. જેથી જે થવાનું હોય તે થાય અને ‘બા’ મહારાજ બની બધાને બોધ આપતા કે શાશ્વત સુખ માટે સતત અભિલાષા કરો અને તેને માટે સતત પ્રયત્ન કરો. આ વાતનું સમર્થન આપતા હોય તેમ પોતાની કુક્ષીમાં આવેલ બાળકો સંસારી બની સંસાર વધારનારા બને એના કરતાં સંયમી બની સંસારને સીમિત કરી મુક્તિ નિશ્ચિત કરનારા બને એવા શુભ વિચારથી અને ધર્મભાવનાથી પોતાના ઘડપણની પરવા કર્યા વિના પોતાના વ્હાલસોયા બે બે સંતાનો શ્રી હેમંતકુમાર (ઉં.વ. બાર) હાલ પૂ. આચાર્ય સોમચંદ્રસૂરિજી અને કુ. નયનાબેન (ઉ.વ. ચૌદ) હાલ પૂ. સાધ્વીજી યશસ્વિનીશ્રીજીને સં. ૨૦૨૫માં હસીખુશીથી પ્રભુના પ્રવજ્યાના પાવન પંથના પ્રવાસી બનાવી માતા તરીકેની સર્વોત્કૃષ્ટ ફરજ નિભાવી. સં. ૨૦૫૩ વૈ.સુ.૬ના રોજ સંયમ લઈ ચાર વર્ષના ટૂંકા ગાળામાં અપ્રમત ભાવે સંયમ પાલન કરતા તેઓશ્રીની સાધના સુગંધ ચારે તરફ ફેલાઈ અને તેમનો સિદ્ધાંત કે “શ્રાવક રહે ઘરમાં પણ કાળધર્મ તો ઉપાશ્રયમાં જ”ને સાર્થક કરી બતાવ્યો. નવકાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા સં. ૨૦૫૭ના (પ્રભુવીરના ૨૬૦૦મા જન્મકલ્યાણક દિને) ચૈત્ર સુદ ૧૨/૧૩ની રાત્રીએ ૧૨-૧૨ કલાકે નશ્વર કાયાનું પિંજર છોડી પરમપદ પામવાના પગથીયે પગલાં પાડ્યાં અને પોતાનું જીવન મહાન તો હતું જ પણ મૃત્યુને એનાથી પણ મહાન બનાવ્યું.
d