________________
પરમ પૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્ અશોકચંદ્રસૂરિજી મહારાજ સાહેબ
અમારા પૂર્વજોના કુટુંબમાંથી વિ. સં. ૨૦૦૭ની સાલમાં બીજા પૂણ્યશાળી શાસનરત્ન સતત પચીસ વખત સૂરિમંત્રના પાંચમા પ્રસ્થાનની ઉત્કૃષ્ટ ભાવે આરાધના કરી સમગ્ર જૈન શાસનમાં ગુરુ ગૌતમનું નામ પુનઃ જીવીત કરનાર સૂરીમંત્ર સમારાધક પ.પૂ.આ.ભ. શ્રી અશોકચંદ્રસૂરિ બન્યા. સંસારી અમરચંદભાઈએ માતા કમળાબહેનની અનન્ય સેવા કરી હતી. સંસારમાં રહ્યા ત્યાં સુધી અળસી અને સરસિયાના તેલને સ્વહસ્તે કથરોટમાં ફીણીને દાઝ્યાનો મલમ બનાવતા જે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ બન્યો હતો. દીન-દુ:ખિયાની સેવા એમનો જીવનમંત્ર બન્યો હતો. ગુરુવર્ય પ.પૂ.આ.ભ. શ્રી કસ્તૂરસૂરીશ્વરજીની અપ્રમત્તભાવે અનન્ય સેવા કરી હતી. જ્યોતિષશાસ્ત્રનો ઊંડાણથી અભ્યાસ કરી શાસનનાં અનેકવિધ કાર્યો માટેના મુહૂર્તદાતા બન્યા. મુહૂર્ત ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં અમેરિકા, જાપાન, દક્ષિણ આફ્રિકા, લીસ્ટર, લંડનમાં પણ આપ્યા. એમના લલાટે પણ એકસો પચીસથી વધુ પ્રભુપ્રતિષ્ઠા-અંજનશલાકાના ભવ્યાતિભવ્ય પ્રસંગો લખાયા છે.
સુરતના ચાતુર્માસ દરમ્યાન સૌ પ્રથમવાર સમગ્ર ભારતમાં સામૂહિક ચારસોથી અધિક સિદ્ધિતપ એમની નિશ્રામાં થયા અને જગબત્રીશીએ ચઢ્યા. અઠ્ઠાઇની સંખ્યા પણ આઠસોથી અધિક થઈ હતી. ગોપીપુરાની ધરતી તપોભૂમિ બની હતી. ત્યારથી તપશ્ચર્યાના પચ્ચકખાણદાતા બન્યા. અમેરિકામાં તપશ્ચર્યા કરતા પહેલાં વ્યક્તિ એમની પાસે પચ્ચકખાણ લઈ તપની આરાધના શરૂ કરે એવી એમની છાયા. દર બેસતા મહિને વાસક્ષેપના શુભઆશીર્વાદ મેળવવા શ્રીસંઘ તલપાપડ બને છે. તેઓશ્રી દાદાના હુલામણા નામે પ્રસિદ્ધ બન્યા છે. અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રત કે જે પૂ.આ.ભ.શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી મ.સા.એ સંપાદિત કરેલ જે શ્રમણ સમૂદાયમાં અતિ મૂલ્યવાન સાબિત થઈ છે.
13