________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
100
પ્રીત કિયે દુઃખ હોય દુનિયાના લોકો આવા બેવચની હોય છે? હવે હું કોઈ પણ પુરુષ પર વિશ્વાસ નહીં કરું... પ્રાણના ભોગે પણ મારા શીલની રક્ષા કરીશ.. આ દુષ્ટ મને એની સંપત્તિની લાલચ આપે છે. મૂર્ખને શું ખબર નથી કે હું રાજકુમારી છું? તારા વૈભવ કરતાં તો હજારો ગણા વધારે વૈભવ મારા પિતાના છે. અને મારા પતિના છે.'
એ મને અબળા સમજે છે.. એ મને અનાથ... અસહાય સમજે છે.. એટલે બળાત્કાર કરવા તૈયાર થયો છે. પણ કોઈપણ ભોગે હું એના હાથમાં આવવાની નથી. શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતો મારી રક્ષા કરો.”
અને એને શ્રી નવકારમંત્રનો જાપ યાદ આવ્યો. “આજે મારે જાપ કરવાનો રહી ગયો છે...' એણે જમીન પર આસન પાથર્યું અને જાપ કરવા બેસી ગઈ.
મધ્યમ સ્વરે એણે જાપ શરૂ કર્યો.... ધીરે ધીરે તે ધ્યાનમગ્ન બની ગઈ.... ધ્યાનમાં તેને એક દિવ્ય ધ્વનિ સંભળાયો: “બેટી, દરિયામાં કૂદી પડ! નિર્ભય બનીને કૂદી પડ!”
સુંદરીએ આંખો ખોલી. ખંડમાં ચારે બાજુ જોયું. “કોણે મને દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો?” સ્વગત બોલી ઊભી થઈ... ખંડમાં આંટા મારવા લાગી.
મારે દરિયામાં કૂદી પડવું જોઈએ. સાચી વાત છે. તો જ મારું શીલ અખંડ રહે. કામાંધ બનેલો આ શેઠ નહીંતર મારા પવિત્ર દેહને કલંકિત કરશે. પ્રાણ વિનાના દેહને પણ એ નહીં છોડે...'
એણે ખંડની એક બારી ખોલી નાંખી.. દરિયો ઊછળી રહ્યો હતો.. જાણે કે સુરસુંદરીને સાદ પાડીને બોલાવતો ન હોય! “આવ બેટી, મારી પાસે આવી જા, મારા ઉત્સંગમાં સમાઈ જા.. તને અને તારા શીલને જરાય આંચ નહીં આવવા દઉં! તારા હૈયે જેમ ધર્મ છે તેમ મારા હૈયે પણ ધર્મ છે.”
સુરસુંદરીએ સાગરના ખોળે જવાનો મનોમન નિર્ણય કરી લીધો. તેના મુખ પર આનંદ છવાઈ ગયો. દ્વાર પર ટકોરા પડ્યા. સુંદરીએ દ્વાર ખોલ્યું. સામે ધનંજય ઊભો હતો. “ચાલ, ભોજન કરી લે.” “મારે ભોજન નથી કરવું.” કેમ?'
For Private And Personal Use Only