________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે અમરકુમારનાં વહાણો ચંપાનગરીની નજીક પહોંચ્યાં ત્યારે અમરકુમારે એક વહાણને સંદેશો આપીને આગળ મોકલ્યું.
સંદેશવાહકે ચંપાનગરીમાં પહોંચીને મહારાજા રિપુમર્દનને અને નગરશ્રેષ્ઠી ધનાવહને અમરકુમારના આગમનનો સંદેશો આપ્યો. રાજા અને શ્રેષ્ઠી સમાચાર સાંભળીને પ્રમુદિત થઈ ગયા. રાજાએ મંત્રીને બોલાવીને સમગ્ર નગરને શણગારવાની આજ્ઞા આપી.
નગરના રાજમાર્ગોને પંચવર્ણનાં પુષ્પોથી શણગારવામાં આવ્યાં. ઠેર ઠેર સુગંધી ધૂપ કરવામાં આવ્યા. માર્ગોને સ્વચ્છ, સમતલ અને સુશોભિત બનાવાયા. માર્ગો પર સુગંધભરપૂર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. પ્રજાજનોએ પોતાના ગૃહદ્યારે તોરણો બાંધ્યાં. બજારો શણગાર્યા.
અમરકુમાર પરિવારસહિત નગરના બાહ્ય પ્રદેશમાં આવી ગયો હતો. મહારાજાએ અને ધનાવહ શ્રેષ્ઠીએ ભવ્ય સ્વાગત-યાત્રાનું આયોજન કર્યું હતું. હજારો નગરવાસીઓ અમરકુમારનું સ્વાગત કરવા નગરની બહાર પહોંચી ગયા. મંત્રીવર્ગ, અધિકારીવર્ગ અને શ્રેષ્ઠીવર્ગ, સહુએ અમરકુમારનું ભાવભીનું સ્વાગત કર્યું.
અનેક વાજિંત્રોના નાદ સાથે અમરકુમારે નગરપ્રવેશ કર્યો. મહારાજાએ મોકલેલા ભવ્ય સુવર્ણમય રથમાં તે બેઠો. આસપાસ રંભા અને ઉર્વશી જેવી સુરસુંદરી અને ગુણમંજરી બેઠી, ચંપાનગરીના રાજમાર્ગ પરથી શોભાયાત્રા રાજમહેલ તરફ આગળ વધવા લાગી. ધવલમંગલ ગીતો ગવાતાં હતાં. અક્ષત અને પુષ્પોથી નગરસ્ત્રીઓ વધાવતી હતી.
શ્રેષ્ઠીઓ મૂલ્યવાન ભેટણાં ધરતા હતા. કુશળ પૃચ્છા કરતા હતા. અમરકુમાર નમ્રતાથી બે હાથ જોડી પ્રતિઅભિવાદન કરતો હતો. અમરકુમારનો વિપુલ વૈભવ એની પાછળ જ વાહનોમાં આવતો હતો. મૃત્યુંજય અશ્વારૂઢ બનીને સો સુભટો સાથે આગળ ચાલી રહ્યો હતો. માલતી બે હાથમાં દિવ્ય પંખા લઈને અમરકુમારની પાછળ જ રથમાં ઊભી હતી. સમગ્ર ચંપાનગરી ઉત્સવ ઘેલી બની ગઈ હતી. શોભાયાત્રા રાજમહેલે પહોંચી.
For Private And Personal Use Only