________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુ:ખ હોય
૧૬૩
સેનાપતિ શ્રીમતીનું અદ્ભુત રૂપ જોઈ એના પર મોહિત થઈ ગયો. સેનાપતિએ કહ્યું: ‘સુંદરી, તું ચિંતા ન કર. એ પુરોહિતના બચ્ચાને હું ઠેકાણે પાડી દઈશ... પરંતુ તું મારી પ્રિયા બની જા... હું તારા પર... તારા રૂપ પર મુગ્ધ બન્યો છું... કહે, હું તારી હવેલીએ ક્યારે આવું?'
શ્રીમતી તો સેનાપતિની વાત સાંભળી ડઘાઈ જ ગઈ... ‘અરે, આ તે રક્ષક કે ભક્ષક ?’ તેણે સેનાપતિને ઘણી શિખામણ આપી... પણ સેનાપતિ ન સમજ્યો ... છેવટે શ્રીમતીએ તેને રાત્રિના બીજા પ્રહરના પ્રારંભે આવવાનું આમંત્રણ આપ્યું.
ત્યાંથી શ્રીમતી પહોંચી રાજ્યના મહામંત્રી મતિધન પાસે. તેણે જઈને મંત્રીને કહ્યું: ‘મહામંત્રી, તમે મારી રક્ષા કરો. સેનાપતિ મારું શીલ લૂંટવા તૈયાર થયો છે... મારા પતિની અનુપસ્થિતિમાં તમે રક્ષા કરો.'
મહામંત્રી તો શ્રીમતીનું રૂપ જોઈ પોતે જ કામાંધ બની ગયો હતો! તેણે કહ્યું: ‘શ્રીમતી, એ સેનાપતિને તો કાલે જ હાથીના પગ નીચે કચડાવી નાંખીશ... તું નિર્ભય રહે... પરંતુ તારે મને તારું યૌવન માણવા દેવું પડશે... તું જે માગીશ તે તને આપીશ... બસ, એક વાર તારા દેહનું સુખ આપ...'
શ્રીમતી હેબતાઈ જ ગઈ. તેણે મહામંત્રીને ધુત્કારી કાઢ્યો... છતાં મહામંત્રી તેને કરગરવા લાગ્યો... કંઈક વિચારીને શ્રીમતીએ તેને રાત્રિના ત્રીજા પ્રહરના પ્રારંભમાં પોતાની હવેલીએ આવવાનું કહ્યું: મહામંત્રી રાજી રાજી થઈ ગયો.
શ્રીમતી ત્યાંથી સીધી રાજા શ્રીપતિ પાસે પહોંચી. રાજાનો વિનય કરી તેણે કહ્યું: ‘મહારાજા, મહામંત્રી મારા પર મોહી પડ્યો છે... ને મારા ઘરમાં આવવાનું કહે છે... આપ એને રોકો... મારી રક્ષા કરો...’
રાજા શ્રીપતિ પોતે જ શ્રીમતી પર મોહી પડ્યો હતો. તેણે કહ્યું: ‘તું નિશ્ચિંત રહે. મહામંત્રીને શૂળી પર ચઢાવી દઈશ... પણ તારી સાથે મને શય્યાસુખ મળવું જોઈએ... હું તારાં રૂપ-યૌવન પર મોહિત થયો છું... તું ઇચ્છે તો તને મારી રાણી બનાવી દઉં... નહીંતર એક વાર તું મને તારી હવેલીમાં બોલાવ...’
શ્રીમતીને ક્ષણભર લાગ્યું કે એના પગ નીચેથી ધરતી સરકી રહી છે... છતાં ધીરતા ધારણ કરીને તેણે રાજાને ખૂબ સમજાવ્યો... પરંતુ રાજા ન જ સમજ્યો... ત્યારે શ્રીમતીએ કહ્યું: ભલે, આપ આજે રાત્રે ચોથા પ્રહરના પ્રારંભે પધારજો...
For Private And Personal Use Only