________________
આ ત્રણ હજમાં પાણીની વધઘટ કરવાનું કામ યંત્રરચના વડે દિવસરાત નિયમિતપણે ચાલ્યા કરે છે. રોજની લગભગ ચાલીસ (બાર મહિને લગભગ સાડાબાર હજાર) સ્ટીમરોની અવરજવર આ નહેરમાં થાય છે. નહેર પસાર કરવા માટે બંને મહાસાગરમાં સ્ટીમરોને નહેર પાસે આવીને લાઇનમાં ઊભા રહેવું પડે છે. એક મહાસાગરમાંથી નહેર દ્વારા બીજામાં પહોંચતાં આઠથી સોળ કલાક લાગે છે, પરંતુ એથી દક્ષિણ અમેરિકાને છેડે આવેલા કેપ હોર્નના તોફાની અને જોખમી સમુદ્રનું આઠ હજાર માઈલનું ચક્કર બચી જાય છે.
મિરાફલોર્સના હોજ એકસો દસ ફૂટ પહોળા અને હજાર ફૂટ લાંબા છે. એની અંદર સમાઈ શકે એટલી મોટી સ્ટીમર પનામાની નહેરમાંથી પસાર થઈ શકે. સિત્તેર વર્ષ પહેલાં જ્યારે આ હોજ બાંધવામાં આવ્યા ત્યારે તે પહેલેથી એટલા બધા લાંબા અને પહોળા રાખવામાં આવ્યા હતા કે હજુ પણ મોટામાં મોટી સ્ટીમરો તેમાંથી પસાર થઈ શકે છે.
દુનિયાની મોટામાં મોટી સ્ટીમરોમાં અત્યારે જેની ગણના થાય છે તે ક્વીન એલિઝાબેથ-ટુ' નામની આધુનિક જબરદસ્ત મોટી સ્ટીમર (જે ૧૦૫ ફૂટ પહોળી અને ૯૬૩ ફૂટ લાંબી છે) પણ પનામાની નહેરમાંથી પસાર થઈ ગઈ છે. નહેરનો માત્ર એક વખત ઉપયોગ કરવા માટે એણે ૬૮૫૦૦ ડૉલરનું ભાડું ચૂકવ્યું હતું. સ્ટીમરનું કેટલા ટન વજન છે તે પ્રમાણે ભાડું નક્કી થાય છે. એક સ્ટીમરનું સરેરાશ ભાડું પંદર હજાર ડૉલર છે. પનામાની નહેરમાંથી એક વખત પસાર થવા માટેનું વધુમાં વધુ ભાડું ‘એલિઝાબેથ - ટુએ ચૂકવ્યું છે.
અને ઓછામાં ઓછું ભાડું કેટલું ચૂકવાયું હશે ? માત્ર છત્રીસ સેન્ટ એટલે કે પૂરો એક ડૉલર પણ નહિ. કોઈ સ્ટીમરનું આટલું ઓછું ભાડું તો હોઈ જ ન શકે. પરંતુ આ ભાડુ ચૂકવ્યું હતું રિચાર્ડ હેલિબર્ટન નામના એક સાહસિકે ઈ.સ. ૧૯૨૮માં. ઍટલાન્ટિક મહાસાગરમાંથી પનામાની નહેરમાં તરતાં તરતાં તે પૅસિફિક મહાસાગરમાં દાખલ થયો હતો. તેને માટે પણ એક હોજમાંથી બીજા હોજમાં પાણીની વધઘટ કરવામાં આવી હતી. એનું ત્યારે અદ્વિતીય ગણાતું સાહસ જોવા માટે હજારો માણસો એકત્ર થયા હતા.
પનામાની નહેરમાં સ્ટીમરોની અવરજવર જોઈ અમે શહેરમાં પાછા ફર્યા. બજારમાં થોડુંક ફર્યા. એક દુકાનમાં બહારથી દેખાય એમ ગાંધીજીનો મોટો ફોટો લટકાવેલો હતો. એ જોતાં જ અમને થયું કે કદાચ કોઈ ભારતીય વેપારીની દુકાન હશે. અનુમાન સાચું પડ્યું. સૌરાષ્ટ્રના એક વૃદ્ધ ગુજરાતી વેપારીની એ દુકાન હતી. અમે એમની સાથે ગુજરાતી ભાષામાં વાત કરી
પનામા - (દ. અમેરિકા) * ૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org