________________
ત્યાર પછી એ સજ્જને મારાં પત્ની પાસે બધી સ્ત્રીઓને માથે પણ હાથ ફેરવાવ્યો. તેઓના બધાંના ચહેરા ઉપર અનેરો ઉલ્લાસ દેખાતો હતો. આટલો બધો ભાવ તેઓ શા માટે બતાવે છે તેનું અમને કુતૂહલ અને આશ્ચર્ય થયું. પેલા સજ્જને અમને ભાંગીતૂટી ભાષામાં કંઈક ઈશારા વડે પૂછ્યું કે અમારે ચા-પાણી લેવાં છે કે અમારે બીજી કોઈ મદદની જરૂર છે ? અમે ના કહી અને તેમનો ખૂબ આભાર માન્યો. અજાણ્યા લોકોના આ આદરસત્કારથી અમે અનેરો હર્ષ અનુભવ્યો. પ્રસન્નતાએ અમારા ચિત્તમાં પડેલી ખિન્નતાને ક્યાંય દૂર ધકેલી દીધી. દૂરના વિદેશમાં એક માઠા અનુભવ પછી તરત આવો મીઠો અનુભવ થાય એટલે પણ એનું મૂલ્ય વધી જાય.
આખા ટોળાએ ભાવપૂર્વક વિદાય લીધી. છેલ્લે પતિ-પત્નીએ પણ અમને ફરી પ્રણામ કરીને વિદાય લીધી. જતાં જતાં કોઈક અજાણ્યાને તેઓને કહેતાં અમે સાંભળ્યાં, “ઇન્ડિયન સ્વામી.”
ભારતથી ક્યારેક આવેલા કોઈક સાધુ-સંન્યાસી કે સ્વામીજી વિશે તેઓ વાત કરતાં લાગે છે એમ અમે માન્યું. તેઓ શું કહે છે તે અમને સ્પષ્ટ ન થયું. પણ તેમનાં પત્ની મારાં પત્ની તરફ આંગળી કરી ઇશારા વડે કોઈકને બતાવતાં હતાં અને તેમાં કપાળમાં તિલક, ગળામાં માળા અને સાડી વિશે કંઈક સમજાવી ‘ઇન્ડિયન સ્વામી” કહી રહ્યાં હતાં. અનુમાન કરતાં અમને તરત સમજાયું કે મારાં પત્નીએ કેસરી સાડી અને કેસરી બ્લાઉઝ પહેર્યા હતાં અને ગળામાં માળા તથા કપાળમાં કંકુનો લાલ મોટો ચાંદલો હતો. વળી મારા ખભે લાલ રંગનો થેલો હતો. એ પરથી સમજાયું કે તેઓ અમને જ કોઈ ઇન્ડિયન સ્વામી” માનતાં લાગે છે. આ બાજુ ભારતીય પ્રવાસીઓ બહુ ઓછા આવે અને તેમાં ભગવાં વસ્ત્રધારી સ્વામીજી તો ક્યારેક જ આવ્યા હોય. તેમને જોયાની સ્મૃતિને આધારે તેઓ મારાં પત્નીને “ઇન્ડિયન સ્વામી' સમજીને ભાવપૂર્વક વંદન કરતાં હતાં. વસ્તુત: અમે “ઇન્ડિયન સ્વામી’ નહોતાં અને તેમના એ માટેના વંદનના અધિકારી નહોતાં. પરંતુ ભારત પ્રત્યેનો તેમનો અસાધારણ ભક્તિભાવ જોઈને અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવ્યાં.
આ બનાવે આર્જેન્ટિનાના લોકો વિશેની અમારા મનમાં પ્રથમ પડેલી વિષાદની છાપને ઘડીકમાં ભૂંસી નાખી. અમારું ચિત્ત આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી ઊભરાઈ ગયું.
(પાસપોર્ટની પાંખે-૩)
૩૧૪ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org