________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના ઇતિહાસવિદ પ્રો. એમ.એસ. કોમિસારિયેત
ડૉ. રમેશકાંત ગો. પરીખ *
ગુજરાતના ઇતિહાસના મધ્યકાલીન સમયના સલ્તનત, મુઘલ અને મરાઠા ઇતિહાસમાં વિશિષ્ટ પ્રદાન કરનાર ઇતિહાસના પ્રખર અભ્યાસી ઇતિહાસવિદ પ્રો. માણેકશાહ સોહરાબ શાહ કોમિસારિયેત માત્ર ગુજરાતના કે ભારતના જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામેલા વિદ્વાન હતા.
કારકિર્દી :
પ્રોફે. કોમિસારિયતનો જન્મ પારસી કુટુંબમાં ૧૮૮૧ના ડિસેમ્બરની ૧૧મીએ થયો. કાલેજનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૅાલેજમાં લીધું અને ઇતિહાસ વિષયમાં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા ૧૯૦૩માં પ્રથમ વર્ગમાં અને એમ.એ.ની પરીક્ષા ૧૯૦૫માં પસાર કરી. બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવ્યો હોવાથી તેમણે સેંટ ઝેવિયર્સ કૅલેજમાં જ 'દક્ષિણા ફૅલોશિપ' પ્રાપ્ત કરી. એમ.એ. થયા પછી તરત જ તેમને અમદાવાદની સરકારી ગુજરાત કાલેજમાં “એમેરિટસ પ્રોફેસર ઑફ હિસ્ટરી ઍન્ડ પોલિટિકલ ઇકોનોમિક્સ' તરીકે નીમવામાં આવ્યા. કાલેજમાં બી.એ.ના વર્ગોમાં હિંદુસ્તાનનો ઇતિહાસ, ઇંગ્લેન્ડનો ઇતિહાસ અને અર્થશાસ્ત્ર શીખવતા. સ્નાતક કક્ષાએ રાજ્યશાસ્ત્ર વિષય શીખવવાની સગવડ ઉમેરાતાં, તેમણે રાજ્યશાસ્ત્ર વિષયમાં પણ અધ્યાપન કાર્ય કર્યું. તેઓએ ઇતિહાસના એમ.એ.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન રૂપ વ્યાખ્યાનો આપ્યાં અને વિદ્યાર્થીઓને ઉપયોગી બની રહે તેવી સરળ ભાષામાં વ્યાખ્યાનોના વિષયવાળી નોંધો પણ ઉતરાવી. થોડા સમય માટે ગુજરાત કાલેજના આચાર્ય તરીકે પણ સેવાઓ આપી. ૧૯૩૫માં સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ તેઓ મુંબઈ ગયા. ત્યાં તેમના ભાઈ જહાંગીર જેઓ પોતે અંગ્રેજી અને ફ્રેંચ ભાષાના પ્રાધ્યાપક હતા, તેમની સાથે ઍપોલો બંદર, ઓમિસ્ટન રોડ પર આવેલા ૩, ‘રી હાઉસ'માં વસવાટ કરી શેષ જીવન ગુજરાતના મધ્યકાલીન સમયના ઇતિહાસની સાધના, સંશોધન અને લેખનમાં વિતાવ્યું ! તેઓ અપરિણીત હતા.
પ્રો. કામિસારિયેતની અધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન તેમની ઇતિહાસ સંશોધન માટેની રસવૃત્તિ કેળવાઈ અને તે જીવનની છેલ્લી પળ સુધી જીવંત રહી. તેમની અધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન તેઓ વિવિધ ઇતિહાસ વિષયક અને સાંસ્કૃતિક મંડળો સાથે સંલગ્ન હતા. તેઓ “ઇન્ડિયન હિસ્ટોરિકલ રૅકોર્ડઝ કમિશન’’ના તથા ‘બૉમ્બે હિસ્ટરી કૉંગ્રેસ''ના સક્રિય સભ્ય હતા. ૧૯૩૧માં અલાહાબાદમાં યોજાયેલી ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ'ના અધિવેશનમાં વિભાગીય પ્રમુખ તરીકે પણ તેઓ રહ્યા હતા. તેમને સરકારે “ખાન બહાદુર”નું બિરુદ પણ આપ્યું હતું. બાણું વર્ષની વયે ૧૯૭૨ના મે મહિનાની ૨૫મીએ તેમનું મુંબઈમાં અવસાન થયું.
પ્રો. કોમિસારિયેત નિવૃત્તિ-જીવનમાં અતિશય પ્રવૃત્ત રહ્યા. આ સમયમાં તેમણે ગુજરાતના મધ્યકાલીન સમયના સલ્તનત, મુઘલ અને મરાઠાકાલના ઇતિહાસ માટે સંશોધન કાર્ય ચાલુ રાખી ત્રણે સમય માટેના ત્રણે ગ્રંથોનું લેખનકામ હસ્તપ્રતરૂપે તૈયાર કર્યું. તેમણે ‘હિસ્ટરી ઑફ ગુજરાત'ના પહેલા બે ગ્રંથો ૧૯૩૮ અને ૧૯૫૭માં અનુક્રમે પ્રસિદ્ધ કર્યા. ત્રીજા ગ્રંથની હસ્તપ્રત આખરી સ્વરૂપમાં તૈયાર હતી પણ તેનું પ્રકાશન થવા પામે તે પહેલાં તેમનું અવસાન થયું. તેમના ભાઈ જહાંગીરે સદ્ગત ભાઈનું સંશોધિત કામ જાળવી રાખ્યું અને ત્રીજા ગ્રંથના પ્રકાશન માટે ગુજરાત વિદ્યાસભા(અમદાવાદ)ને અધિકાર આપી અનુકૂળતા કરી આપી. આ ગ્રંથ ૧૯૮૦માં પ્રકાશિત થયો.
* નિવૃત્ત, પ્રાધ્યાપક અને અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૪૨
For Private and Personal Use Only