Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
[૨૧]
ચાર બૃહોવાનું છે, એમ યોગશાસ્ત્ર પણ ચતુર્વ્યૂહ છે. એમાં દુઃખ, દુઃખહેતુ, દુઃખનિવૃત્તિ અને એના ઉપાયરૂપ ચાર બૃહોનું નિરૂપણ કરવામાં આવે છે. વિચારશીલ પુરુષ માટે બધું દુઃખ છે. પ્રકૃતિ અને પુરુષનો સંયોગ દુઃખનો હેતુ છે. એ સંયોગની નિવૃત્તિથી દુઃખનો આત્યંતિક નાશ થાય છે. એ નિવૃત્તિનો ઉપાય અવિપ્લવ વિવેકખ્યાતિપૂર્વક સમ્યગ્દર્શન છે. યોગશાસ્ત્રની પરિભાષામાં આ ચારને હેય, યહેતુ, હાન અને હાનોપાય કહેવામાં આવે છે.
- સૌ પ્રથમ હેયનું નિરૂપણ કરતાં પતંજલિ કહે છે કે ન આવેલું દુઃખ હેય છે. આ સૂત્રનો મર્મ સમજાવતાં ભાષ્યકાર કહે છે કે અતીત દુઃખ ભોગથી નષ્ટ થઈ ચૂક્યું છે. વર્તમાન ક્ષણમાં ભોગારૂઢ થયેલું દુઃખ દ્વિતીય ક્ષણે નષ્ટ થનાર હોવાથી, આગામી દુ:ખ જ છે કે ત્યજવાયોગ્ય છે, એમ સ્પષ્ટપણે સમજનાર, આંખની કીકી જેવા યોગીને ચિંતિત બનાવે છે. અન્ય અયોગી-વિચારશૂન્ય-મનુષ્યોને આવી ચિંતા થતી નથી.
અતીત, વર્તમાન અને આગામી બધાં દુઃખોનો ઉદ્દભવ દ્રષ્ટા-પુરુષ અને દશ્ય-પ્રકૃતિના સંયોગને કારણે થાય છે. દ્રષ્ટા બુદ્ધિસત્ત્વમાં પ્રતિબિંબિત બની વિષયાકાર બનેલી બુદ્ધિવૃત્તિઓને જોનાર પુરુષ છે. બુદ્ધિસત્ત્વમાં આરૂઢ થયેલા બધા ધર્મો દશ્ય છે. એ બેનો અનાદિ અવિઘાને કારણે થયેલો સંયોગ હેયહેતુ કે દુઃખનું કારણ છે.
પુરુષ અસંગ હોવાથી આ સંયોગ દેશથી કે કાળથી થતો નથી, પણ યોગ્યતારૂપ શક્તિને કારણે થાય છે. બુદ્ધિવૃત્તિઓ ઓગાળેલી ધાતુની જેમ પ્રારંભમાં નિર્દોષ પ્રવાહી જેવી જણાય છે, પરંતુ વિષયરૂપ બીબામાં ઢાળવામાં આવતાં અને એ જ વિષયનો વારંવાર સંસ્કાર દઢ થતાં ઠંડી પડેલી કઠોર ધાતુ જેવી એટલે કે અસહ્યવેગવાળાં વલણો ઉત્પન્ન કરનારી બની જાય છે. આમ વિષયાકારે પરિણામ પામેલી બુદ્ધિવૃત્તિઓ લોકચુંબકની જેમ સંનિધિમાત્રથી દ્રષ્ટા સ્વામીનો ઉપકાર કરતા દશ્યરૂપ બને છે. આવો સ્વસ્વામીભાવ, દ્રષ્ટા-દશ્યભાવ કે ભોક્તા-ભોગ્યભાવરૂપ સંયોગ અનાદિ અવિઘાથી પ્રવાહરૂપે ચાલ્યો આવે છે. આ સંયોગનું વર્જન થાય તો દુઃખનો આત્યંતિક પ્રતિકાર થઈ શકે છે.
પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ ત્રણ ગુણો મહત, અહંકાર, તન્માત્ર, ઇન્દ્રિયો અને મહાભૂતોરૂપે પરિણમી પુરુષના ભોગ અને મોક્ષ માટે દશ્યરૂપ બને છે. ભોગાપવર્ગરૂપ પુરુષાર્થ સિદ્ધ ન થાય એ બુદ્ધિમાં રહેલો બંધ છે. અને એની પરિસમાપ્તિ મોક્ષ છે. આ બંને ધર્મો બુદ્ધિના છે, છતાં પુરુષ સ્વામી કે ભોક્તા હોવાથી એમનો એના પર આરોપ થાય છે, જેમ સૈન્યના જય-પરાજયનો આરોપ રાજા પર થાય છે. પ્રકૃતિથી બધા વિકારો ઉત્પન્ન થતા હોવાથી એ અસતું નથી, અને પુરુષાર્થ સમાપ્ત