Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
[૨૪]
બે “તમ પ્રકાશવવિરુદ્ધસ્વભાવ' છે. અસ્મિતા એ બે વચ્ચે પડેલી ગ્રંથિ- ચિજ્જડગ્રંથિછે. એ વિષે વિજ્ઞાનભિક્ષુ કહે છે :
:
शुद्धोऽप्यात्माऽतिसामीप्यात् दृश्यधर्मान्पृथग्विधान् । कर्तृत्वभोक्तृत्वमुखान्मन्यते स्वान्स्ववीक्षितान् ॥ जीवो बहिरितीक्षित्वा स्फुटभिन्नानपि स्वतः । नेमान् वेत्त्यन्तरासन्नान्मुखसक्तां मसीमिव ॥ “આત્મા શુદ્ધ હોવા છતાં, કર્તૃત્વ, ભોકતૃત્વ વગેરે દશ્ય (બુદ્ધિ)ના, પોતે જેમને જુએ છે એ, વિવિધ ધર્મોને અત્યંત નજીકપણાને લીધે પોતાના ધર્મ માને છે. જીવ પોતાનાથી સ્પષ્ટપણે જુદા હોવા છતાં એ ધર્મોને પોતાની અંદર નિકટ રહેતા હોવાથી મોઢા પર લાગેલી મેશની જેમ, એ મારાથી બહાર છે, એમ જાણતો નથી.’’
આ પાંચ ક્લેશો આત્મજ્ઞાનરૂપ અગ્નિથી બળેલા બીજ જેવા બની, યોગીના ચિત્તસાથે વિલીન થઈ જાય છે. પરંતુ જો ક્લેશો આ રીતે દગ્ધબીજભાવને પ્રાપ્ત ન થયા હોય તો કર્મનું ફળ આ કે આવતા જન્મમાં ભોગવવું પડે છે. તીવ્ર વૈરાગ્યપૂર્વક મંત્રજપ કે સમાધિથી ઉત્પન્ન થતો કર્માશય કુમાર નંદીશ્વરની જેમ એ જ જન્મમાં મનુષ્યપરિણામમાંથી દેવપરિણામ ઉત્પન્ન કરે છે, અને તીવ્ર ક્લેશથી કરેલો અપકાર નહુષની જેમ પશુ પરિણામ પેદા કરે છે. એક કર્મ અનેક જન્મોનું કારણ બને છે કે અનેક કર્મો એક જન્મનું, એ વિષે ગંભીર વિચારણા કર્યા પછી ભાષ્યકાર સિદ્ધાન્ત સ્થાપે છે કે જન્મ અને મૃત્યુના વચ્ચેના સમયગાળામાં કરેલાં પુણ્યો અને પાપોનો સંચય એક જન્મનું કારણ બને છે. માટે કર્માશય એકભવિક અને વાસનાઓ અનેક જન્મોથી સંચિત થતી આવી હોવાથી અનેકભવિક કહેવાય છે, અને ઘણી વિચિત્રવાસનાઓવાળું ચિત્ત ઘણી ગાંઠોવાળી માછલાં પકડવાની જાળ જેવું કે વિચિત્ર રંગોવાળા કઢંગા ચિત્ર જેવું જણાય છે.
કર્માશય જન્મ, આયુષ્ય અને ભોગરૂપ ત્રણ ફળો ઉત્પન્ન કરતો હોવાથી ત્રિવિપાક કહેવાય છે. પુણ્યથી એ ત્રણે સુખરૂપે, અને પાપથી દુઃખરૂપે ફળે છે. પરંતુ આવો સુખદુઃખવિભાગ ફક્ત અવિવેકી સામાન્ય લોકો માટે હોય છે. યોગીની દૃષ્ટિએ પરિણામદુઃખ, સંસ્કારદુઃખ અને ગુણવૃત્તિઓમાં વિરોધ હોવાથી બધું દુઃખ જ છે, કારણ કે સાધારણ લોકો શરીરના કઠોર ભાગો જેવા છે, જ્યારે યોગી આંખની કીકી જેવો કોમળ હૃદયનો હોવાથી, ઊનનો તાંતણો શરીરના બીજા ભાગો માટે જેમ દુઃખરૂપ હોતો નથી પણ આંખની કીકી માટે દુઃખરૂપ હોય છે, એમ બધું યોગી માટે દુઃખરૂપ છે.
ઔષધશાસ્ત્ર રોગ, રોગહેતુ, રોગનિવૃત્તિ અને રોગનિવૃત્તિના ઉપાયરૂપ