________________
શ્રીમાન્ ચન્દ્રર્ષિ મહત્તરાચાર્ય વિરચિત પંચસંગ્રહ ગ્રંથના પ્રથમ ભાગનું પુનઃ પ્રકાશન શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા—મહેસાણા દ્વારા થાય છે તે આનંદનો વિષય છે. આવા કર્મસાહિત્યના વિશિષ્ટ ગ્રંથના અભ્યાસકો જૈનશાસનમાં ચતુર્વિધ સંઘમાં છે તેથી પુનઃ પ્રકાશનનો અમૂલ્ય અવસર મળ્યો છે. વીર સંવત્ ૨૪૯૭માં પ્રકાશિત થયેલ પ્રથમાવૃત્તિની નકલો ખલાસ થઈ જવાથી અભ્યાસક વર્ગની માંગને પહોંચી વળવા પુનઃ પ્રકાશન કરીએ છીએ.
કર્મસાહિત્યના આ મહાન્ ગ્રંથમાં કર્મ સંબંધી અનેકવિધ ગંભીર વિષયો સૂક્ષ્માતિસૂક્ષ્મરૂપે સરળ ભાષામાં સમજાવ્યા છે. વિસ્તૃત વિષયાનુક્રમણિકા જોવાથી તેનો ખ્યાલ આવી શકે છે.
સ્વ. પૂ આ શ્રીધર્મધુરંધર સૂરીશ્વરજી મ. સા તથા સ્વ. પં. શ્રીપુખરાજજી અમીચંદજી આદિએ પ્રસ્તાવના વગેરેમાં લખેલ પોતાના વિદ્વત્તાપૂર્ણ લેખો દ્વારા આ મહાન્ ગ્રંથની વિશદતા, ઉત્તમતા, ગહનતા, ઉપકારિતા અને ઉપયોગિતા જાણી શકાય છે. અગત્યની કહેવા યોગ્ય બાબતો પ્રથમાવૃત્તિના પ્રકાશકીય નિવેદનમાં જણાવેલ છે.
આ ગ્રંથની દ્વિતીયાવૃત્તિના પ્રકાશનમાં સહાયભૂત થનાર દરેક સુજ્ઞ મહાશયોનો પ્રયાસ ખરેખર સ્તુત્ય-અનુમોદનીય છે. ખાસ કરીને પુસ્તક-પ્રકાશન સંબંધી કાર્ય, પ્રૂફ આદિનું કષ્ટસાધ્ય અને સમયસાધ્ય કામ અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં પં. શ્રી જિતેન્દ્રભાઈ બાબુલાલ શાહે કરી આપ્યું છે તે બદલ અમો તેઓશ્રીનો આ સ્થળે આભાર માનીએ છીએ. પંચસંગ્રહના પ્રથમ ભાગના પુનઃ સંપાદનકાર્યમાં તથા મુદ્રણકાર્યમાં પૂરતી કાળજી રાખવામાં આવી છે. છતાં છદ્મસ્થતાવશ કોઈ સ્ખલના રહી ગઈ હોય તો સુજ્ઞ પુરુષોએ સુધારી અમોને જણાવવા નમ્ર વિનંતી છે.
આજના વૈજ્ઞાનિક યુગમાં કર્મવિજ્ઞાનને અદ્ભુત રીતે સમજાવનાર દ્રવ્યાનુયોગના આ મહાન ગ્રંથનો જિજ્ઞાસુ-મુમુક્ષુ અભ્યાસકો તલસ્પર્શી-ઊંડાણથી અભ્યાસ કરી સ્વપર આત્મહિત સાધવા સાથે આ વિષયના નવા અભ્યાસકો તૈયાર કરવામાં પ્રયત્નશીલ બને અને જૈનસમાજમાં આ અધ્યયનની પરંપરા સતત વેગવંતી બની રહે. એ જ મંગલ કામના.
મહેસાણા
વીર સંવત્ ૨૫૨૫ વિક્રમ સંવત્ ૨૦૫૫ શાસન સ્થાપના દિન
તા. ૨૬-૪-૧૯૯૯
લિ
શ્રી સંઘ સેવક
ડૉ. મફતલાલ જૂઠાલાલ શાહ આ સેક્રેટરી
શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા