________________
સર્ગ ર
ગૃહસ્થ એવા માણિક્યસિંહ ઉત્તમ રૂપ ધરાવે છે, ભરપૂર સંપત્તિ ધરાવે છે, દયાવાનું છે, સહાયક છે, ગુણોના પ્રેમી છે, સ્થિરતાપૂર્વક વિચારનારા છે, ઉત્તમ ભોગોનું ભાજન છે, આસ્તિક છે. ઘરમાં એ રત્નના દીવાની જેમ સોહે છે. ૧.
એમની આંખોમાં સ્નિગ્ધતા વસે છે, એમની આંખોનાં પોપચાં થોડો ઝૂકેલા રહે છે તેથી એ ક્રૂર દેખાતા નથી, એમની ભૂકૂટિના વાળ સ્વચ્છ, શ્યામ, ઝીણા છે, કાનને અડતી લાંબી આંખો દ્વારા એ જે વસ્તુને જુએ છે તે વસ્તુ અત્યંત સુંદર બની જાય છે. ૨.
ચહેરાનાં તેજનું સંચિત રૂપ હોય તેવી નાસિકા, બે આંખની વચ્ચે શોભે છે. ચાલી રહેલા શ્વાસોને લીધે સુક્ષ્મ કંપન પામતી નાસિકા, દીવાની જયોતનું બીજું રૂપ હોય તેવી જણાય છે. ૩.
એના ગોરા ગાલ પર સહેજ લાલાશ પથરાયેલી છે. એ કામદેવનું સ્મિત હોય તે રીતે સ્ત્રીઓનાં મનને જીતી લે છે. ૪.
કમળની પાંદળી જેવા સુંદર હોઠ, મોંફાડની સૂક્ષ્મ રેખાથી સુંદર લાગે છે. શબ્દોનું માધ્યમ બનનારા આ હોઠોને દાંતની કાંતિ રંગી દે છે. ૫.
દાઢીની રુંવાટીઓથી એનું મુખ આકર્ષક શોભાને ધારણ કરે છે. મહાન માણસો થોડા શણગારથી પણ ખૂબ સુંદર દેખાતા હોય છે. ૬.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૨