________________
તારી ચમકતી આંખોની કાંતિને જોઈને મારી પ્રસન્નતા અખંડ રહે છે. આ આંખોમાંથી નીકળતાં આંસુઓએ મારાં સુખોને દૂર કરી નાંખ્યા છે. હું શું કરું ? વિધાતા જ મારું શરણ બની શકશે. ૩૧,
તારા મીઠા હોઠો પર આંસુઓ ખારો રસ લગાડી રહ્યા છે. તારાં સૌન્દર્યને તું તારા જ હાથે બગાડવા બેઠી હોય તેવું આજે પહેલીવાર જોવા મળે છે. ૩૨.
તારા ગોરા ગાલ પર આંસુઓ સરકી રહ્યા છે તે ચન્દ્રમાને બાંધી લેવા માટે ફેલાયેલી ચાંદીના તારની જાળ જેવા લાગે છે. ૩૩.
તારા ચહેરો એટલો સુંદર છે કે દાગીના વિના પણ સુંદર દેખાય છે, આંસુઓ સાથે પણ તારો ચહેરો ખૂબસૂરત લાગે છે. પરંતુ તારા ચહેરા પર દુ:ખના ભાવો અંકાયા છે તે મારાં મનને દુઃખી કરી દે છે. ૩૪.
તારી લાગણીઓને જાળવનારું હૃદય, તારા વિચારોને સાચવનારા મનની વાત સાંભળી રહ્યું છે તેવું લાગે છે. કેમકે તું ચૂપ છે અને તારા આંસુઓની ધારા તારી ધ્રુજતી છાતી પર ટપકી રહી છે. ૩૫.
બોલી ન શકાય તેવી વાતો તું આંખના ઇશારે જણાવતી હોય છે, આંખથી પણ ન જણાવી શકાય એવું શું બની ગયું છે ? મને કહીશ તું ? ૩૬.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩
૫૧