________________
આંધળા જેવી આંખોથી તે આગની જવાળાને જોવા લાગ્યા. એ જવાળા સાધુના શ્વાસની ગતિથી કાંપતી હતી તેણે તુરંત જ સંકોચ રાખ્યા વિના સાધુની દાઢી પર એ જવાળા ચાંપી દીધી. ૨૫.
આગ બધું ભરખી જાય. આગનો એ સ્વભાવ છે. આજે આગ પોતાના આ સ્વભાવની નિંદા કરવા માટે જ ધ્રુજવા લાગી. કેમ કે સાહજીક રીતે જ દાઢીના વાળમાં પ્રસરવા દ્વારા એ આગે પુણ્યનો નાશ કરી નાંખ્યો હતો. ૨૬.
પળવારમાં દાઢી બળી ગઈ. ચહેરાની ચામડી દાઝવા લાગી. સ્મશાનના મડદાની અસર ઝીલતા હોય તે રીતે સાધુ-મડદાની જેમ સ્થિર રહીને એ આગને વેઠતા રહ્યા. ૨૭.
અંધારી રાતે વાદળાઓ વીજળીના ચમકાર સાથે ગર્જના કરે છે. પરંતુ આજની અંધારી રાતે પોતાનાં મુખ પર આગને ધારણ કરી હોવા છતાં સાધુએ કોઈ અવાજ ન કર્યો. એ આત્મામાં મગ્ન રહ્યાં. ૨૮.
ક્રિયા અને સ્થાન સમાન હોવા છતાં વ્યક્તિ બદલાય તેમ વિચાર બદલાતા હોય છે. કેવી રીતે ? એ જ જવાળાને લીધે સાધુને કર્મના નાશનો વિચાર આવ્યો. એ જ જવાળાને લીધે શ્રેષ્ઠી કર્મબંધને ભૂલી ગયા. ર૯.
શ્રેષ્ઠીને એમ હતું કે – સાધુ ગુસ્સો કરશે, પરંતુ સાધુ તો એકદમ શાંત રહ્યા. શ્રેષ્ઠીને એમ હતું કે સાધુ ડરી જશે એને બદલે સાધુ નિર્ભયપણે ઊભા રહ્યા. શ્રેષ્ઠીને એમ હતું કે સાધુ દુઃખી બનશે તેને બદલે સાધુ તો સમતામાં રહ્યા. સાધુના આવા તેજથી તેના પૂર્વગ્રહો બળીને ખાખ થઈ ગયા. તેણે જવાળા બુઝાવી દીધી. રડતી આંખે તેણે સાધુને નમસ્કાર કર્યા. ૩૦.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫
૮૯