________________
અખંડ ચોખા દ્વારા સાથિયો દોરીને તે પોતાની પૂજા કરવાની અખંડ દક્ષતાને વ્યક્ત કરે છે. સફેદ ઉજળા ચોખાના બહાને તે પોતાનું પુણ્ય અને પોતાના પવિત્ર ભાવો પ્રભુને સમર્પિત કરે છે. ૭.
તે મોક્ષની ઇચ્છાપૂર્વક પ્રભુ સમક્ષ ફળ ધરે છે. તે દ્વારા તે પોતે ઉત્તમ પુણ્યવાન છે તેવું પૂરવાર થાય છે. આસ્વાદ્ય, સુંદર અને સ્વચ્છ ફળો દ્વારા તે પોતાનાં મંદિરમાં પોતાનાં કલ્યાણની ઉદ્ઘોષણા કરે છે. ૮.
ઉત્તમ નૈવેદ્યપૂજામાં તે મોંઘાં દ્રવ્યો પ્રભુ સમક્ષ મૂકે છે. પ્રભુ સમક્ષ મુકાયેલી મીઠાઈ, અમૃત કરતાં પણ વધારે પવિત્ર બની જાય છે. ૯.
શ્રી માણેકચંદજી શેઠ આ રીતે રોજ અષ્ટપ્રકારી પૂજા કરે છે. આ પૂજા દ્વારા તે આઠ કર્મોનો ક્ષય કરી, આઠ મહાન્ સુખોનાં નિધાન સ્વરૂપ મોક્ષમાં જવા તૈયાર થાય છે. આઠ પ્રકારનું અભિમાન ટાળવા તે ઉદ્યમશીલ છે. ૧૦.
ધનવાનોમાં સર્વશ્રેષ્ઠ એવા માણેકચંદજી શેઠ વિશેષ વ્યાપાર કરવા માટે મરુદેશના પાલી નગરમાં રહે છે. જૈનધર્મમાં કુશળ એવા શ્રેષ્ઠીવર્ય, લક્ષ્મીનાં ઉપાર્જન માટે અવંતીનગરથી દૂર રોકાયા છે. ૧૧.
શરદ ઋતુને લીધે હવામાંથી અને વાદળામાંથી ભીનાશ ઓસરી ગઈ. હવા અને વાદળા શરદઋતુને લીધે મરુદેશની ભૂમિની જેમ કોરા થઈ ગયા. ઉત્તમ માણસો પણ લાંબા સમય માટે જેમની સાથે રહે તેમની અસરમાં આવીને પોતાના મૂળ સ્વભાવને ગુમાવી બેસે છે. ૧૨.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૭
૧૧૫