________________
ગુરુદેવ! કળિકાળની રમત તો જુઓ. મારા જ બે સેવકોને, બે ભૈરવીને તેણે પ્રયોગથી બાંધીને તમારી પર છોડી મૂક્યા છે. મને આપની માટે ભક્તિ છે માટે આ બંનેને હું મારા વશમાં લેવા પ્રયત્ન કરું છું. પછી એ આપને ત્રાસ આપી શકશે નહીં. ૧૯.
આમ કહીને તે દેવે ઊંચા અવાજે આહાન કરીને તે કાલભૈરવ-ગૌર ભૈરવને બોલાવ્યા. આ બંને ભૈરવો ભયાનક શક્તિ ધરાવતા હતા. તેમણે દેવને નમસ્કાર કર્યા. પરંતુ તંત્ર વિદ્યાથી બંધાઈ ચૂકેલા હોવાથી તેઓ ઉપસર્ગ છોડવા તૈયાર ન થયા. ૨૦.
યક્ષરાજને એકદમ ગુસ્સો આવ્યો. તેણે જોરથી ગર્જના કરી. જુદા જુદા શસ્ત્રો અરસપરસ ઘસાયા અને તેમાંથી તણખો ખર્યા. શત્રુરૂપી વૃક્ષોને વંટોળિયાની જેમ ઉખાડી નાંખે તેવી રીતે તેણે પગ પછાડ્યા. જમીનમાં ખાડા પડી ગયા. જમીન ફાટી ગઈ. યક્ષરાજ યુદ્ધ માટે તૈયાર બન્યા. ૨૧.
હાથમાં તલવાર. ગળામાં મસ્તકની માળા, કરવત જેવા દાંત. રમતિયાળ ભમરા જેવી ચપળતા. યુદ્ધભૂમિ જેવા ખરબચડા નખે. આંખોના લાલ ખૂણા. બંને ભૈરવો આવા દેખાતા હતા. દેવરાજના વલય પર શસ્ત્ર મારીને તેમણે યુદ્ધ જાહેર કર્યું. ૨૨.
આકાશમાં આગના ભડાકા થવા લાગ્યા. ધુમાડાના ગોટેગોટા ઉડ્યા. ધુમાડાના થર ઘટ્ટ બન્યા તેને કારણે કાળો રંગ ચોમેર પથરાઈ ગયો. હવા એવી વહેતી હતી કે કપડાના છેડા ઉડવા લાગે. આ હવાના ધક્કે ધુમાડાઓનો જથ્થો અજગરની જેમ હળવે હળવે સરકવા લાગ્યો. ૨૩.
યુદ્ધ સત્ત્વથી ધગધગતું હતું. શત્રુના બળનો નાશ થાય તેવી મહેનત હતી. પર્વતો ભાંગી જાય તેવું આક્રમણ હતું. બળમાં સ્કૂતિ તરવરતી હતી. યોદ્ધાઓ લડવા માટે છલાંગ મારતા હતા. દૂરથી જોઈએ તો આ છલાંગોમાં, દરિયાઈ માછલીની ચપળતા, ગરૂડ જેવી ઉડાન અને વીજળી જેવી ચમકની છટા વર્તાતી હતી. ૨૪.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૯
૧૫૯