________________
૩૩૧
પ્રકરણ : ૩ પ્રત પરિચય અને પાઠ સંપાદન પદ્ધતિ
ભાષા અને લિપિઃ
ભાષા અને લિપિનો પરસ્પર અવિનાભાવિ સંબંધ છે. પ્રાચીન કાળમાં માનવ જંગલો અને ગુફાઓમાં વસવાટ કરતો હતો ત્યારે પોતાની ગુફામાં જાદુટોના માટે વિવિધ પ્રકારની રેખાઓ દોરી આકૃતિઓ બનાવતો હતો. પ્રારંભમાં માનવ પાસે પોતાના ભાવોને વ્યક્ત કરવા માટે લખવાના સાધના તરીકે દીવાલ, ઈંટ, પત્થર, શિલાપટ્ટ, મૃદુપટ્ટ આદિ હતા. દેશ-કાલ-પરિસ્થિતિ અનુસાર સાધન બદલાતા ગયા અને લિપિ તેમજ ભાષા પરિસ્કૃત થતી ગઈ. પ્રાચીન માનવ પોતાના પશુધનને ઓળખવા જાનવરોના શરીર પર વિવિધ પ્રકારના ચિહ્નો (TATO0) બનાવતો હતો.
સમય જતાં લિપિનો વિકાસ થયો. ચિત્રો અને રેખાઓએ વિકસિત થઈ વર્ણાકાર રૂપ લીધું; જેને લિપિનામ આપવામાં આવ્યું.
કેટલીક ભાષાઓ ઉચ્ચારણ-વૈવિધ્યના કારણે પોતપોતાની લિપિમાં વિકસિત થઈ. જેમકે ગુજરાતી, બંગાળી, મૈથિલ, ઉડિયા, તામિલ, તેલુગુ, મલયાલમ આદિ. આ ભાષા અને લિપિ બન્ને રીતે વિધમાન છે, જ્યારે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, મરાઠી આદિ માત્ર ભાષા છે. લિપિ નથી. આજે પણ સંસ્કૃત, પ્રાકૃત, હિંદી આદિ ભાષાબદ્ધ ગ્રંથો ‘નાગરી લિપિમાં લખાય છે. હિંદી લિપિ નથી, વાસ્તવમાં દેવનાગરી અથવા નાગરી લિપિ છે.
મનુષ્યના વિચારોને વ્યક્ત કરવાનું માધ્યમ વાણી છે. વાણી વિભિન્ન ભાષાઓના માધ્યમથી સંસારમાં પ્રગટ થાય છે. ભાષાઓને ચિરંજીવ રાખવાનું કામ લિપિ કરે છે.
ભાષા અને લિપિ સિક્કાના બે પહેલુ સમાન છે. ભાષા વિના લિપિ સંભવ નથી. હા! લિપિ વિના ભાષા સંભવ છે. ભાષાથી વિચાર વ્યક્ત જરૂર થાય છે પરંતુ લિપિના અભાવમાં તેનું વિશેષ મહત્ત્વ અથવા પ્રચાર-પ્રસાર થઈ શકતું નથી. આમ લિપિને ભાષાનું એક અનિવાર્ય અને અત્યુત્તમ અંગ માનવામાં આવ્યું છે.
લિપિના અભાવમાં અનેક ભાષાઓ ઉત્પન્ન થઈને નષ્ટ થઈ ચૂકી છે. આપણા આગમગ્રંથોમાં ચોસઠ લિપિઓનો ઉલ્લેખ થયો છે. વર્તમાન કાળે તેમાંથી અધિકાંશ લિપિઓ અને તે ભાષાઓનું સાહિત્ય ઉપલબ્ધ નથી. કેટલીક લિપિઓને ઉકેલવી મુશ્કેલ પણ છે. જેમ કે-મધ્યપ્રદેશના જબલપુરના જંગલમાં પર્વત અને ગુફાઓમાં ટાંકેલી “શંખ લિપિ' આજ દિવસ સુધી વિદ્વાન ગવેષકો દ્વારા સમજી શકાઈ નથી.
લિપિના કારણે જ પ્રાચીન ઈતિહાસના અવશેષો સુરક્ષિત છે. આજે લિપિના કારણે જ જૈન સાહિત્ય હસ્તપ્રતોના રૂપે ઉપલબ્ધ છે.