________________
૫૮૬
સેના લઈ રાજગૃહી નગરી પર ચડાઈ કરી. રાજગૃહી નગરીને ચારે બાજુથી ઘેરી લીધી.
સંકટમાંથી ઉગરવા અભયકુમારે ચંડપ્રધોતન રાજાના સૈનિકોની છાવણીની પાછળ ચારે ખૂણામાં ચાર સોનામહોરના ભરેલા કળશો દટાવ્યા. ત્યારપછી ચંડપ્રધોતન રાજાને ઠાવકાઈ ભર્યો પત્ર લખ્યો કે, “માસા! હું તમારો હિતેચ્છુ છું, માટે વારું છું. મારા પિતાજીએ આપના મુખ્ય સેનાપતિઓને પૈસા આપી ફોડી નાંખ્યા છે. તેમને ધનની લાલચ આપી ખરીદી લીધાં છે. અવસર આવશે ત્યારે તમને પણ પકડીને બંદીવાન
બનાવશે. તમને વિશ્વાસ ન હોય તો જ્યાં સેનાપતિના તંબુ છે, ત્યાં જજો. તે તંબુના ચારે ખૂણામાં સુવર્ણ કળશો દાટેલાં છે. તમે ચેતી જાવ.’’
ચંડપ્રધોતન રાજાએ છાવણીના ચારે ખૂણા ખોદાવ્યા. સુવર્ણ કળશો જોઈ ચંડપ્રદ્યોતન રાજાએ સેનાપતિઓને ધિક્કાર્યા. ચંડપ્રદ્યોતન રાજા પકડાઈ જવાની બીકે ઉજ્જયિની નગરીમાં નાશી ગયા. અચાનક રાજાના ચાલ્યા જવાથી સેનાપતિ બધું સમેટી પાછા ફર્યા. રાજાને પાછા આવવાનું કારણ પૂછયું, ત્યારે ચંડપ્રધોતન રાજાએ કહ્યું, ‘“હે દુષ્ટો! નમકહરામો. તમે મારી સાથે દગો કર્યો છે.’’ સેનાપતિ, અઢાર દેશના રાજા અને ચંડપ્રધોતન વચ્ચે જ્યારે ખુલાસો થયો ત્યારે ચંડપ્રધોતન રાજાને સત્ય સમજાયું કે, ‘અભયકુમારે મને છેતર્યો છે. તેણે પત્ર્યંત્ર રચી યુદ્ધ બંધ કરાવ્યું છે. ‘અભયકુમારને પકડીને લાવીશ ત્યારે જ હું જંપીશ.’ રાજાએ નગરમાં પડહ વગાડવ્યો કે ‘અભયકુમારને પકડી લાવનારને ઈચ્છિત ઈનામ આપવામાં આવશે.' ઉજ્જયિની નગરીની મદમનંજરી નામની ગણિકાએ આ કાર્ય ઉપાડી લીધું.
મદનમંજરીએ પોતાની સાથે બે સ્વરૂપવાન સુંદરીઓને લીધી. સુવ્રતા નામના સાધ્વીજી પાસે જૈન ધર્મનો અભ્યાસ કર્યો, નવતત્ત્વ, સ્વર્ગ અને નરકની વાતો જાણી. શ્રાવિકાનો ગણવેશ પહેરી રાજગૃહી નગરીમાં આવી. તે ધર્મના નામે અભયકુમારને ફસાવી પકડી જવા આવી હતી.
ગણિકાએ સંઘ કઢાવી સંઘવણ નામ ધારણ કર્યું. તે પગપાળા રાજગૃહી નગરીમાં આવી. નગરની બહાર તંબૂ બાંધ્યો. ચૈત્યપરિપાટી કરવાના નિમિત્તથી જિનમંદિરમાં આવી. તેણે જિનાલયમાં પ્રવેશતાં ‘નિસિહી’ શબ્દનો ઉચ્ચાર કર્યો. જિનપૂજા કરી. માલકોશ રાગમાં જિનભક્તિ કરી. પરમાત્માને વંદન કરી બહાર આવી. શ્રાવિકાનો પ્રશમ ગુણ જોઈ અભયકુમાર પ્રસન્ન થયા. સંયમ ભાવના અને ઉચ્ચ વિચારોથી પ્રભાવિત થયેલા અભયકુમારે છેવટે ખુશ થતાં વિચાર્યું ‘મને શ્રાવિકાનો મિલાપ થયો છે તો હું તેમની સાધર્મિક ભક્તિ કરું.’
અભયકુમારે તેમને આગ્રહ કરી જમવા બોલાવ્યા. જમી લીધા પછી ગણિકાએ અભયકુમાર સાથે ધર્મચર્ચા કરી. ગણિકાએ આગ્રહ કરી અભયકુમારને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. બીજા દિવસે અભયકુમાર એકલા ગણિકાના આવાસે ભોજન કરવા ગયા. ઢોંગી ગાયિકાએ આગ્રહ કરી કરીને અભયકુમારને જમાડયા અને ચંદ્રહાસ મદીરા જેવું નશીલું પીણું પીવડાવ્યું.
અભયકુમારને નશાના પ્રભાવે ગાઢ નિદ્રા આવી ગઈ ત્યારે ગણિકાએ પૂર્વયોજિત ગોઠવણ અનુસાર અભયકુમારને રથમાં સૂવડાવી પવનવેગે રથ ઉજ્જયિની નગરી તરફદોડાવ્યો.
રે! અભયકુમાર જેવા બુદ્ધિશાળી પણ છળકપટથી ઢોંગી ગણિકાના પાશમાં સપડાયા.