________________
૫૬૩
ખીરખાજાનું ભોજન તૈયાર થવા માંડ્યું. સંગમ ગમે તેમ તોય એક બાળક હતો. એના મોંમાં પાણી છૂટયું. એ વિચારી રહ્યો : આખું ગામ આજે ખીરની ખુશાલી માણે અને મારા માટે આજે પણ શું એ જ છાશ ને એ જ રોટલો! માતા ધન્યાને એણે કહ્યું : “મા, મા! મારેય ખીર ખાવી છે. જો, ને ઘરે ઘરે ખીર રંધાઈ રહી છે. મા! મારો એવો તે કયો ગુનો કે, આજેય મારા માટે ખાવા ખીર નહિ!'
સંગમની લાગણીભરી માગણી જોઈને ધન્યાનું હૈયું ભરાઈ આવ્યું. એ મનોમન બોલી રહી : ‘“બેટા, સંગમ, તને કઈ રીતે સમજાવું કે, કેટલી વીશીએ સો થાય ! દળણાં દળીને ને પેટે પાટા બાંધીને હું મહેનત કરું છું, ત્યારે માંડ માંડ આપણે છાશ રોટલા ભેગા થઈએ છીએ, હવે ખીર ક્યાંથી લાવું?’’
સંગમના બરડા પર વહાલસોયો હાથ ફેરવતા ફેરવતા ધન્યાએ કહ્યું : ‘‘બેટા! તને કોઈ દિ’ જરૂર ખીર ખવડાવીશ હો. આજે તો જો ને, મારે માથે હજી કેટલું બધું કામ બાકી છે. ?’’
ધન્યા છટકવા ગઈ. પણ સંગમે તો એનો પાલવ પકડયો. બસ, એની વાત તો એક જ હતી, “મા! મને
ખીર!''
માના હૈયામાં દીકરા તરફ વાત્સલ્ય હતું. પણ સ્થિતિ-પરિસ્થિતિ જ એવી હતી કે, કાળજાની કોર જેવા પોતાના બેટાની આ એક નાનામાં નાની ઈચ્છાને પણ પૂર્ણ કરવા એ વિવશ હતી.
થોડીવાર થઈ અને સંગમ રોવા માંડયો. ધન્યાનું માતૃહૃદય દીકરાના એ આંસુને ન ખમી શક્યું. મનોમન એ વિચારી રહીઃ હું કેવી અભાગણી માતા કે, મારા બેટાને ખોબાભર ખીર પણ ખવડાવી શકતી નથી ! એ પોતાનાં આંસુને ખાળી ન શકી દીકરો તો રડી રહ્યો હતો. મા પણ રડવા લાગી અને નાની શી એ ઝુંપડીના તરણેતરણા રડી ઊઠયાં!
અડોશ-પડોશની સ્ત્રીઓ ભેગી થઈ ગઈ. ધન્યાએ એમની આગળ દિલના દ્વાર ખુલ્લાં મૂકી દીધાં. હું રડી રહી છું. કારણ સંગમ રડી રહ્યો છે. સંગમ રડી રહ્યો છે. કારણ એને ખીર ખાવી છે.
બીજાના દર્દને પોતાનું દર્દ લેખાવનારી ધર્મમાતાનું ધાવણ પીને મોટી થયેલી એ આર્ય-નારીઓ હતી. દરેકે સહાનુભૂતિનો હાથ લંબાવ્યો. કોઈ સ્ત્રી ખાંડ લઈ આવી, કોઈ દૂધ લઈ આવી, તો કોઈ ચપટી ચોખા ભરી આવી અને ધન્યાએ થોડીવારમાં તો ખીર તૈયાર કરી દીધી.
સંગમ નાચી ઊઠયો. ધન્યા હરખઘેલા સંગમને નીરખી રહી અને સંગમ પોતાની મા સામે જોતો જ રહ્યો.ધન્યાખીર પીરસીને ઘરકામ કાજે ચાલતી થઈ અને સંગમ ખીર ખાવા બેઠો. બરાબર આ ટાણે જ દિલથી ભરવાડ લાગતા સંગમને દિલથી ભાગ્યવાન બનાવવાના ભાવિલેખ ધરાવતી મુનિની યાદ આવી ગઈ. દિવસોથી વન-વગડામાં ધ્યાન ધરતા એ મુનિ સંગમની આંખ સામે ઉપસી આવ્યા. એ વિચારી રહ્યો ઃ અત્યારે જો એ મુનિ મારે આંગણે આવી જાય, તો દુર્લભના દાનનો કેવો દોહ્યલો લાભ મને મળી જાય!
ભાવના તો ભવનાશિની ગણાય. સંગમની ભાવના જ જાણે એ મુનિને શાલિગ્રામમાં પારણા માટે ખેંચી લાવી ! આજના આ પર્વ દિવસે જ મુનિરાજને મહિનાના ઉપવાસ પૂર્ણ થતા હતા. ભિક્ષાકાજે ફરતા મુનિરાજ સંગમની ઝૂંપડીએ આવી ઊભા.‘ધર્મલાભ’નો ધ્વનિ સંભળાતા જ સંગમનો મનમોર કળા કરી ઊઠયો, ‘ઓહ! કેવા ભાગ્ય કે, ખીર જેવી દુર્લભ ચીજ મળી, ત્યારે એથીય વધુ દુર્લભ આ મુનિરાજ મારા આંગણે! પધાર્યા! એણે કહ્યું, ‘‘ધન્ય ભાગ્ય, મારા! પધારો મુનિરાજ! મને લાભ આપો!''
ને હૈયાના હેતભાવથી સંગમે બધી જ ખીર મુનિ ના પાડતા રહ્યા, છતાં એમનાં પાત્રમાં ઉછળતા ભાવે વહોરાવી દીધી. ભવ્ય એ ભાવ! ભીષ્મ એ દાન ! ને પવિત્ર એ પાત્ર! આ અવસર્પિણીકાળનું મહાદાન લેખાયું. આવા અલબેલા ત્રિભેટે, સંગમે એવું સૌભાગ્ય એકત્ર કર્યું કે, જે એને ભરવાડમાંથી ભાગ્યવાન બનાવે! અને