________________
- સંન્યસ્ત અને વિદ્વત્તા
એક કાળે સ્વામી રામતીર્થ પ્રયાગ નજીક રામબાગમાં વસતા હતા. એકવાર સ્વામીજી પ્રાતઃસ્નાન માટે ગંગાકિનારે ગયા. તેમની સાથે ભિક્ષુ અખંડાનંદજી અને પંડિત માલવિયાજી પણ હતા.
સ્વામીજી ગંગાના પ્રવાહમાં સ્નાન કરવા લાગ્યા. સ્નાન કરીને તેઓ કિનારે આવ્યા. ભિક્ષુ અખંડાનંદજી સ્વામી રામતીર્થનું બદલવાનું કોપીન લઈને ત્યાં ઊભા હતા.
સ્વામીજીએ ભીના કોપીનની જગાએ નવું કોપીન પહેર્યું. પણ....એવામાં અખંડાનંદજીએ સ્વામીજીના પગ તરફ જોયું તો સ્વામીજીના પગ કાદવથી ખરડાયેલા હતા. અખંડાનંદજી પાસે સ્વામીજીના ચીકણા કાદવવાળા પગ લૂછવા માટે કોઈ વસ્ત્ર હતું નહીં. તેઓ વિચારમાં પડ્યા કે હવે શું કરવું? સ્વામીજીના પગ શાનાથી સાફ કરવા?
સ્વામીજીના કાદવવાળા પગ માલવિયાજીએ જોયા કે તરત જ તેઓ જમીન પર બેસીને પોતાના કીમતી રેશમી ખેસથી સ્વામીજીના પગ લૂછવા લાગી ગયા.
સ્વામીજી બોલ્યા, “અરે! અરે! તમારો કીમતી ખેસ આમ શીદ બગાડો ? તમે તો મારા કરતાં પણ વધુ વિદ્વાન છો! તમે મારા પગ સાફ કરો એ યોગ્ય નથી.”
માલવિયાજીએ કહ્યું, “સંતની સેવા કરતાં ખેસ કીમતી નથી અને સંન્યાસ કરતાં વિદ્વત્તા મોટી નથી. સંન્યસ્તની તો વિદ્વત્તાએ સેવા કરવી જ રહી.’ માલવિયાજીએ પછી પોતાના કીમતી ખેસ વડે સ્વામીજીના પગ ક્યાંય સુધી સાફ કર્યે જ રાખ્યા.
સંકલન : શ્રીમતી નીનાબેન કે. ભાવસાર
જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
૧૭
www.jainelibrary.org