________________
કાળક્રમે જૈનધર્માનુયાયીઓનો ફરી વિકાસ શક્ય બન્યો. મુઘલ શહેનશાહ અકબર જૈન આચાર્યોનાં સંયમ, તપ, ચારિત્ર્ય, તથા શ્રદ્ધા ઉપર મુગ્ધ થયા. શ્રી હીરવિજયસૂરિને ગુજરાતથી પોતાના દરબારમાં બોલાવ્યા. એમને ‘જગદ્ગુરુ'નું બિરુદ આપ્યું અને શત્રુંજય, ગિરનાર, સમેતશિખરજી, તારંગાજી વગેરે તીર્થો હંમેશ માટે બક્ષિસ આપ્યાં. જહાંગીર પણ જૈનાચાર્યોથી પ્રભાવિત હતા પરંતુ ઔરંગઝેબની ઝનૂની ધર્માધ નીતિથી ફરી એક વાર બધું નાશ પામ્યું. જૈન કળાની વિશેષતા : ગુપ્ત અને અનુગુપ્ત કાળમાં જે પ્રકારની કળાકારીગરી પાંગરી હતી તેવી જ જૈન કળામાંય જોવા મળે છે. આમ છતાં હિંદુ કળાના સુવર્ણયુગની સિદ્ધિઓથી પર રહીને જૈન કળા પોતાની રીતે પાંગરી છે.
એલૂર-ઇલોરાનાં શૈલઉત્કીર્ણ મંદિરોમાં ભવ્ય જૈન મથક છે, તેનો સમય ઈ.સ.ની આઠમી સદીનો છે. અહીં હિન્દુ શૈલીના દેવરાજ ઇન્દ્ર એક નવું સ્વરૂપ ધારણ કરે છે. એ શિલ્પ ચાલુક્ય શૈલીના બદામીની, રાષ્ટ્રકૂટના એલિફન્ટાની અને પલ્લવોના મહાબલિપુરમની યાદ આપે છે. અહીં ભવ્ય વિરાટ સ્તંભોની સાથે કલાકારીગીરીનું
ખૂબ ઝીણવટપૂર્વકનું કામ, ચોક્કસ પ્રમાણ સાથે જોવામાં આવે છે. આ શિલ્પોમાં ઝીણી ઝીણી કોતરણી દ્વારા ફૂલપાંદડીથી લદાયેલા હાથી પર આરૂઢ થયેલા શૂળદેહી ઈન્દ્ર પણ જોવા મળે છે.
જૈન શિલ્પ ઊંચાઈમાં વામન સરખાં બટુકડાં હતાં. શરૂઆતની શૈલીનાં શિલ્પોમાં યોગમુદ્રામાં સ્થિત તીર્થકરો અથવા કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલા તીર્થકરો જોવા મળે છે. આ શિલ્પો સીધા સટાક, હલનચલન વગરનાં, બન્ને હાથ એકદમ સીધા, ઘૂંટણ પણ સીધાં અક્કડ છે. તીર્થંકરના આદર્શ શરીરને સિંહ સાથે સરખાવવામાં આવે છે. ઊંચી અને સશક્ત છાતી, સીધા હાથ, સપાટ અને વિશાળ સ્કંધપ્રદેશ, એક જ સીધી રેખામાં જોવા મળતા ખભા સુંવાળા છે. આ પ્રકારની પવિત્ર વ્યક્તિને વીર કહેવામાં આવે છે. આ બધું યોગના નિયમોને અધીન રહેતી શ્વાસોચ્છવાસની ગતિ સૂચવે છે.
જૈન કળાને પોતાની એક શૈલી છે. તીર્થકરોનાં શિલ્પો રૂઢ શૈલીનાં, ભરાવદાર અને ઊભેલાં હોય છે. કદાચ જૈન કળાનું મૂળ ભારતીય ન હોય એવી કોઈ ભૂતકાળની કળામાં છે. જૈન મંદિરના સ્થાપત્યમાં જૈનોએ ઘણું કરી હિન્દુ ધર્મનાં મંદિરોની રચનાનું અનુસરણ કર્યું છે. ગુજરાત-રાજસ્થાનનાં જૈન મંદિરો ઉત્તર ભારતના ભવ્ય હિંદુ સ્થાપત્યને મળતાં આવે છે, ખાસ કરીને મુસલમાનોના આક્રમણ પહેલાંના એટલે કે ઈ.સ. ૧૦મીથી ૧૩મી સદી સુધીનાં ખજૂરાહો જેવાં મંદિરોને મળતાં આવે છે.
ભારતીય સ્થાપત્યની મુખ્ય વિશેષતા તે અલંકરણપ્રાધાન્ય છે. જેમાં લાકડા પરની કે હાથીદાંતની કોતરણી જેવું સ્થાપત્ય જોવા મળે છે. આનાં જ્વલંત ઉદાહરણો હિન્દુ સ્થાપત્યમાં નહિ, પરંતુ ગુજરાતનાં જૈન મંદિરોમાં જોવા મળે છે. આબુનાં મંદિરો એની સુંદર કળામય કોતરણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મંદિરો ઈ.સ. ૧૦૩૨થી ઈ.સ. ૧૨૩૨ એટલે બસો વરસમાં બંધાયાં હતાં. બીજી રીતે કહેવું હોય તો આબુનાં મંદિરોનો નિર્માણકાળ મહંમદ ગઝનીના સોમનાથ આક્રમણ પછીનાં સાત વરસનો હતો. ઈ.સ. ૧૨૯૭માં તો શિલ્પગારો બંધાઈ ગયા હતા.
આ સ્થાપત્યો ભારતીય રાષ્ટ્રીય જીવનની પરિવર્તનશીલતાના મહાન યુગનું પ્રતીક છે. સોમનાથની ભવ્ય જાહોજલાલીનો ગઝનીએ નાશ કર્યો. એની આ જંગલિયત સામે વિરોધ તરીકે ઉત્તર ભારતમાં ઘણી ઈમારતો બંધાઈ. આ સમય દરમિયાન કળાને આશ્રય આપવાનું વેપારીઓ અને આમ જનતાના અધિકારમાં આવ્યું હતું. એ રીતે જોતાં આબુનાં મંદિરો આમ જનતાના સ્થાપત્યનું ઉદાહરણ છે; નહી કે રાજાઓના આશ્રયનું. આબુનું અત્યંત મહત્ત્વનું મંદિર દેલવાડા(મંદિરોનો પ્રદેશ) ઋષભનાથ તીર્થંકરનું છે, અને તે વિમલ શાહે ઈ.સ. ૧૦૩૧માં શ્વેતામ્બર વર્ધમાનસૂરિની આજ્ઞાથી બંધાવ્યું હતું. આ દેવપ્રાસાદ શ્વેત આરસપહાણનો બનેલો છે. અહીંની અદ્ભુત કોતરણી, કારીગરી જગતના શિલ્પ-ઇતિહાસમાં અનોખી છે. ભવ્ય કલ્પવૃક્ષો, ઝુમ્મર જેવાં છતોનાં શિલ્પો, નજાકત ભરેલી દિવ્ય અપ્સરાઓ અને મનુષ્યાકૃતિઓ - આ કળાસૌંદર્યને સ્વર્ગની ઉપમા આપી શકાય. આ દેવપ્રાસાદની સામે ૨૨મા તીર્થંકર નેમિનાથનું મંદિર ઈ.સ. ૧૨૩૨માં તેજપાલ અને વસ્તુપાલે બંધાવ્યું હતું. અઢળક ધન છપાવવાને બદલે અથવા ભોંયમાં ભંડારી દેવાને બદલે શ્રેષ્ઠીઓએ આબુ. શત્રુંજય, ગિરનાર પર્વતનાં મંદિરો બંધાવી તેનો ઉચિત ઉપયોગ કર્યો.
૨૨ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org