________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
રહેલો તે તે કોઈપણ પદાર્થ આમ ત્રિવિધ છે અને ત્રિલક્ષણ છે એવું મેં શ્રી જૈનદર્શનમાં પામ્યું જાણ્યું છે. | ૨-૨ ॥
ઢાળ-૨ : ગાથા-૨
વિવેચન : પહેલી ગાથામાં દ્રવ્યનું લક્ષણ જણાવ્યું. હવે આ ગાથામાં પ્રથમપાદથી ગુણનું અને બીજા પાદથી પર્યાયનું લક્ષણ કહે છે. તથા ત્રીજા-ચોથા પાદમાં, દ્રવ્ય-ગુણ-પર્યાય અંગે જે જે દ્વારોથી વિચારણા કરવાની છે એનો ઉલ્લેખ કર્યો છે.
સહભાવી કહતાં : જ્યારથી દ્રવ્ય હતું અને જ્યાં સુધી રહેશે ત્યારથી અને ત્યાં સુધી રહેનાર ધર્મ એ સહભાવી ધર્મ હોવાથી ‘ગુણ’ છે, જેમ કે જીવનો ઉપયોગ ગુણ, પુદ્ગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયનો ગતિહેતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુત્વ, આકાશનો અવગાહનાહેતુત્વ અને કાળનો વર્તનાહેતુત્વ.
આમાં જીવનો ઉપયોગ ગુણ તો સ્પષ્ટ જ છે. પુદ્ગલનો ગ્રહણગુણ કહ્યો છે. આ ગ્રહણગુણ એટલે શું ?
૪૧
શંકા : આમાં પ્રશ્ન ક્યાં છે? જેનું પૂરણ-ગલન થાય તે ‘પુદ્ગલ’ આવી પુદ્ગલ શબ્દની વ્યુત્પત્તિ છે. આમાં પૂરણ એટલે મૂળ સ્કંધ દ્વારા નવા પુદ્ગલોનું ગ્રહણ... અને ગલન એટલે સ્કંધોમાંથી પુદ્ગલોનું ગલી જવું-મોચન થવું... એટલે ગ્રહણ...મોચન (=પૂરણ-ગલન) એ પુદ્ગલનો ગુણ છે. એ સ્પષ્ટ છે.
સમાધાન : જે સહભાવી ધર્મો હોય તે ‘ગુણ' કહેવાય છે. પૂરણ-ગલન કાંઈ સહભાવી=યાવદ્રવ્યભાવી નથી... ક્યારેક હોય, ક્યારેક ન હોય એવા છે. જેમ કે પરમાણુમાંથી ગલન નથી હોતું.... ઉત્કૃષ્ટ સ્કંધમાં પૂરણ નથી હોતું... વળી પરમાણુ કે સ્કંધોનો એની એ જ અવસ્થામાં ઉત્કૃષ્ટ અવસ્થાનકાળ અસંખ્યકાળ બતાવ્યો છે. એનો મતલબ આટલા કાળ સુધી એમાં પૂરણ-ગલન હોતું જ નથી... આમ પૂરણ-ગલન યાવદ્ દ્રવ્યભાવી ન હોવાથી એ ‘ગુણ' શી રીતે કહેવાય ?
શંકા ઃ જો એ અવસ્થા દરમ્યાન પૂરણ-ગલન નથી, તો એ ‘પુદ્ગલ’ પણ શી રીતે કહેવાશે? કારણ કે જેનું પૂરણ-ગલન થાય એ ‘પુદ્ગલ’ આવી વ્યાખ્યા છે.
સમાધાન : પૂરણ-ગલન એ પુદ્ગલનું પ્રવૃત્તિનિમિત્ત નથી, પણ વ્યુત્પત્તિનિમિત્ત છે. જેમ ગાયને જણાવનાર ગો શબ્દની વ્યુત્પત્તિ છે ‘ગચ્છતીતિ ગૌ:’ એટલે કે ‘ગમન’ એ વ્યુત્પત્તિનિમિત્ત છે. પણ એનો અર્થ એ નથી કે ગાય ગમન ન કરતી હોય, બેઠી હોય ત્યારે એ ‘ગાય’ ન કહેવાય. એમ, પૂરણ-ગલન તો ‘પુદ્ગલ’ શબ્દ કેવી રીતે બન્યો છે એને જણાવે છે....એટલે કે એ વ્યુત્પત્તિનિમિત્ત છે. તેથી એ ન હોય ત્યારે ‘પુદ્ગલ’ ન કહેવાય એવું નથી, કારણ કે એ વખતે પણ પ્રવૃત્તિનિમિત્ત તો હાજર છે જ.
Jain Education International
વળી, એક દશાણુક સ્કંધ છે, એમાંથી એક પરમાણુ છૂટો પડી ગયો-અર્થાત્ ગલન થયું ને એક નવાણુક સ્કંધ અને એક સ્વતંત્ર પરમાણુ એમ બે દ્રવ્ય બન્યા. હવે આ આ ‘ગલન’ને કોનો ગુણ કહેવો?
For Private & Personal Use Only
www.jainelibrary.org