________________
૧૦
સાચા ભક્તનું જીવન
મધ્યકાલીન સંત-ભક્તોમાં કુમ્ભનદાસનું નામ પ્રખ્યાત છે. તેઓ વૃન્દાવન પાસે જમુનાવતો નામના ગામમાં ખેતી કરીને પોતાનું જીવન ગુજારતા અને નિરંતર પ્રભુભક્તિમાં લીન રહેતા.
એક વખત સમ્રાટ અકબરના મુખ્ય સેનાપતિ મહારાજા માનસિંહ ત્યાં આવ્યા. પ્રભુના કીર્તનમાં અત્યંત તલ્લીનતા જોઈને માનસિહના મનમાં કુમ્ભનદાસ પ્રત્યે બહુમાન પેદા થયું. બીજે દિવસે માનસિંહ કુમ્ભનદાસને ઘેર આવ્યા. ભક્તના ઘરમાં બીજું શું હોય ? ભક્તરાજ તો પાણીમાં જોઈને કપાળમાં તિલક કરતા અને ખેતરમાંથી લાવેલા ઘાસનું આસન બનાવતા. આ જોઈ રાજા માનસિંહે તેમને પોતાનું સુવર્ણમય દર્પણ આપ્યું.
ભકત કહે, “મહારાજ ! મારી ઝૂંપડીમાં આ ન શોભે. કોઈ ચોર-ડાકુ જાણશે તો તેની દાનત બગડશે. મને તો મારી ઝૂંપડીમાં જ શાંતિ છે. મારે તેની જરૂર નથી.”
છેવટે માનસિંહ કહે, “ભક્તરાજ ! આ જમુનાવતો ગામ તમારા નામે લખાવી દઉં, જેથી તમારે ઊપજની ચિંતા મટી જાય. આ વાતનો પણ ભક્ત જ્યારે અસ્વીકાર કર્યો ત્યારે માનસિંહજીએ જતાં જતાં સોનામહોરની એક થેલી મૂકી, પરંતુ તે પાછી આપતાં ભક્તરાજે કહ્યું, “આટલાં વર્ષ જેમ ચાલ્યું તેમ હવે જરૂર ચાલી જશે. આપ ચિંતા ન કરશો. તેની જરૂરતવાળા આ રાજ્યમાં ઘણા લોકો છે, તેમને આપો અને તેમનાં દુઃખ અને દર્દ દૂર કરો.”
આવી પરમ નિઃસ્પૃહતાથી રાજા માનસિંહના રોમ રોમમાં તે ભક્તરાજ પ્રત્યે ભાવ જાગી ગયો. તેઓએ સંત કુમ્ભનદાસની ચરણરજ માથે ચડાવી પોતાની જાતને ધન્ય માની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org