________________
સંસારની વસ્તુઓ નડતી નથી, મમતા નડે છે. જે વસ્તુ પર મમતા કરી તે વસ્તુથી બંધાયા. ખરી રીતે આપણી કઈ વસ્તુ છે ? અંતે તો દેહે ય સથવારો નથી દેતો ને !
મમતા વગર મરે તેને મોક્ષ છે. મમતા સાથે મોક્ષમાં પ્રવેશ નથી મળતો.
મમતા એ ખોટી વસ્તુ છે’ એ જ્ઞાન થવું મોટામાં મોટી કમાણી
અક્રમ વિજ્ઞાન તો તેટલે સુધી ફોડ પાડે છે કે જેને મમતા છે તે ‘આપણે' ન્હોય.
સ્વરૂપજ્ઞાનીને મમતા હોય તે પ્રામેટિક મમતા હોય, ડ્રામામાં મમતા હોયને એવી !
મમતા વગરનો ભોગવટો કેવો મુક્ત મનનો હોય ! જિંદગીમાં લાલચ જેણે કરી નથી, એ ભગવાનને ખોળી કાઢે !
એક પ્રકારની લાલચવાળાને લોભિયો કહેવાય. લાલચુ અને લોભિયામાં ફેર. લોભિયો એક જ દિશામાં લોભી હોય. જ્યારે લાલચને બધી જ વસ્તુઓની લાલચ હોય. જેમાં ને તેમાં સુખ ભોગવી લેવાની લાલચ. લાલચુનો છૂટકારો ય મુશ્કેલ છે. લાલચ તો પોતાનો ધ્યેય ચૂકાવે. લાલચુ જ ફસાય બધે. લાલચુ તો પોતાનું સર્વસ્વ અહિત કરનારો કહેવાય.
લાલચ તો ભૌતિક સુખ ભોગવી લેવાની દાનતના આધારે ઊભી થાય. એમાં પછી નિયમ કે કોઈ કાયદો ના હોય. જ્યાંથી ત્યાંથી-યેનકેન પ્રકારે ય સુખ પડાવવું !
| વિષયની લાલચ ભયંકર દુઃખો નોતરે. વિષયમાં ધૃણા તો વિષયથી છૂટકારો થાય. વિષયની લાલચ છે ત્યાં સુધી અથડામણો થવાની જ. અરે, ભયંકર વેર પણ બંધાય. વિષયના લાલચુ અંતે દબડાવીને પણ ભોગવી લે.
વિષયની લાલચ વિષયમાં લાચાર બનાવી છે. ત્યાર પછી વહુ એને
માંકડાની પેઠ નચાવે. પણ સામસામે બદલો લીધા વગર રહે કે પછી ?
લાલચુ તો વિષય એકલાંનો જ નહીં, પણ ખાવાનો-પીવાનો, ફરવાનો, બધી જ વાતનો લાલચુ હોય.
લાલચના વિચાર આવે, તેને ફેરવવા, એ પુરુષાર્થ થયો. તો પછી એ જોખમી નથી અને તે ફેરવ્યા વગર ગયા તો તે જોખમી બને છે.
લાલચુ લાલચનો માર્યો ગમે તેવી જવાબદારી વહોરી લે.
લાલચુને બધું જ ખપે. જેમ દર્દ દવાને ખેંચે તેમ લાલચુ પાસે તેની લાલચની બધી જ વસ્તુઓ ખેંચાઈ આવે.
પ્રકૃતિમાં હોય એટલા જ ધંધા કરાય. લાલચના માર્યા આભાસી ધંધાઓ કરવા જતાં માર પડે.
નાશવંત વસ્તુઓની લાલચ શી ? ‘આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.’ એ નિશ્ચય કર્યો કે લાલચ જાય.
લાલચ જન્મજાત વસ્તુ છે અને મરે ત્યારે ય એ બીજ જોડે જ જાય. ને બીજે અવતારે ફરી પાછું એ બીજ ઊગે.
લાલચની સામે અહંકાર ઊભો કરે તો તે જાય. પણ પછી એ અહંકારને પાછો ધોવો તો પડે જ. જ્ઞાની પુરુષની હાજરીમાં ગમે તે રોગ હોય તે નીકળી જાય. લાલચમાંથી છૂટવાનો બીજો ઉપાય એ છે કે લલચાવનારી બધી ચીજો બંધ કરી દે. એને યાદ જ ના કરે અને યાદ આવે તો ય પ્રતિક્રમણ કર્યા કરે, તો એમાંથી ક્યારેક છૂટે.
લાલચુ એ દગાખોર કહેવાય. જ્ઞાની પુરુષની આશા ઓળંગી જાય. એટલે ત્યાં જ્ઞાની કૃપા ય ના ઉતરે. જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવાનો દઢ નિશ્ચય થાય ને મન-વચન-કાયાથી ખૂબ ખૂબ સ્ટ્રોંગ થાય તો કંઈક લાલચ જાય.
લાલચુ તો જગતમાં કોઈને સુખ ના આપે, બધાને દુ:ખ જ આપે. કુસંગથી લાલચ પેસી જાય. કુસંગનો પાસ તો ઝેર કરતાં ય વસમો.
25