________________
૯૧
અનુભવ રસ તૃષ્ણા, આત્માથી ભિન્ન પુદ્ગલમાં રતિરૂપ ચાંડાલણીનો સંગ કરે છે.
સ્પૃહા અને અનાત્મરતિ બંનેનો ગાઢ સંબંધ. સ્પૃહાને અનાત્મરતિ વિના ન ચાલે અને અનાત્મરતિને સ્પૃહા વિના ન ચાલે. ઉપાધ્યાયજી મહારાજ આવી સ્પૃહાને કે જે તૃષ્ણારૂપ છે તેને બહાર કાઢી મૂકવા સૂચન કરે છે કારણ કે અનાત્મરતિ સમેત સ્પૃહા એટલે જે તૃષ્ણા આત્માથી ભિન્ન પુદ્ગલમાં રતિરૂપ ચાંડાલણીનો સંગ અંગીકાર કરે છે તે અનાત્મરતિ એટલે જડરતિ... પુદ્ગલાનંદ. જડપદાર્થોનું આકર્ષણ થયા પછી એ પદાર્થોમાં જે સુખની કલ્પના થાય છે અને એ કલ્પનામાં જ અનેક પ્રકારની મધુરતાનો ભાસ થાય છે, તે અનાત્મરતિ. અનાત્મરતિ જે પદાર્થોને લઈને જાગી હોય છે તે જ પદાર્થો પાછળ સ્પૃહા દોડે છે અર્થાત્ અનાત્મરતિ જ આગળ વધીને સ્પૃહાનું રૂપ ધારણ કરી લે છે.
હું તપ કરીશ તો મારું સન્માન થશે, હું જ્ઞાની બનીશ તો મારી પૂજા થશે, હું સેવા, ભક્તિ કરીશ તો મને શાબાશી મળશે... આવી બધી સ્પૃહા જેના મૂળમાં અનાત્મરતિ છે તે હેય – ત્યાજય છે. અનાત્મરતિ સમેત સ્પૃહાવાળો યાચક તણખલા અને આંકડાના રૂ ની પેઠે હલકા દેખાય છે અને તેઓ સંસારસમુદ્રમાં ડૂબે છે.
આત્મરતિ સમેત સ્પૃહા એટલે જે અભિલાષા, આત્માનો રતિરૂપ સંગ અંગીકાર કરે છે તે. આત્મરતિ એટલે જીવરતિ... આત્માનંદ, આત્માના ઉત્થાનની અભિલાષા પ્રગટ થયા પછી સદ્ગુરુની સ્પૃહા જાગે છે, સમ્યજ્ઞાનની સ્પૃહા જાગે છે, સંયમના ઉપકરણની સ્પૃહી જાગે છે, સંયમમાં સહાયક સાધુઓની અભિલાષા રહે છે, શાસનની રક્ષાની ઈચ્છા રહે છે, સમગ્ર જીવોના કલ્યાણની ભાવના રહે છે, મોક્ષપ્રાપ્તીની ઝંખના જાગે છે. આ બધી સ્પૃહાઓ ઉપાદેય છે કારણ કે તેના મૂળમાં આત્મરતિ છે અને તે નિસ્પૃહતાનું મૂળ છે. આત્મરતિ સમેત સ્પૃહાવાળો સાધક હલકો થઈ પ્રેમપૂર્વક ચિત્તમંદિરમાં રહી શકે છે અને સંસારસમુદ્ર તરે છે. - સમતા કહે છે કે તૃષ્ણા તો અનંત આકાશ જેવડી છે. જ્યાં જઈએ ત્યાં તેની નજર પડી જ હોય છે અને તેથી જ ચેતન દેવ દુઃખી-દુઃખી થાય છે. તમને તેનો વિચાર કેમ આવતો નથી?