Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બાદર તેજસ્કાય :– અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિના ક્ષેત્રમાં બાદર અગ્નિનું સ્વસ્થાન છે. છઠ્ઠા આરામાં અને પહેલા, બીજા આરા આદિ યુગલિકકાળમાં અગ્નિનું સ્થાન રહેતું નથી. લવણસમુદ્રમાં વડવાનલ ઉત્પન્ન થતો હોવાથી ત્યાં અગ્નિનું સ્વસ્થાન છે. બાદર વાયુકાય :– ઘનવાત, તનુવાત, ઘનવાતવલય, તનુવાતવલય અને પાતાળ કળશ, ભવન, નરકાવાસ, વિમાન, લોકના સમસ્ત આકાશીય પોલાણવાળા નાના-મોટા સ્થાનોમાં વાયુકાયનું નિવાસ સ્થાન હોય છે.
બાદર વનસ્પતિકાય :– ત્રણે લોકના સર્વ જળમય સ્થાનોમાં અને તિરછાલોકના જળ મય- સ્થળમય સર્વ સ્થાનોમાં બાદર વનસ્પતિકાયના નિવાસસ્થાન(સ્વસ્થાન) હોય છે.
બેઇન્દ્રિયાદિ :- ઊર્ધ્વલોકમાં રહેલા તિરછાલોકના પર્વતો પર, નીચા લોકમાં રહેલા સમુદ્રીય જળમાં અને તિરછાલોકના સર્વ જલીય, સ્થલીય સ્થાનોમાં બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ જીવોના નિવાસસ્થાન(સ્વસ્થાન) છે.
પંચેન્દ્રિય નારકી :– સાતે ય નરકોમાં ત્રણ-ત્રણ હજાર યોજનના જેટલા પાથડા છે તેમાં એક હજાર યોજન ઉપર નીચે છોડીને વચમાં એક હજાર યોજનના પોલાણવાળા ક્ષેત્રમાં નારકીઓના ૮૪ લાખ નરકાવાસારૂપ, નિવાસ સ્થાન છે.
પંચેન્દ્રિય મનુષ્ય ઃ– પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ આદિ પંદર કર્મભૂમિ; હેમવય-હિરણ્યવયાદિ ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપ, એમ એકસો એક ક્ષેત્ર અઢીદ્વીપમાં શાશ્વતા રહેલા છે, તે સંમૂર્ચ્છિમ મનુષ્યોનાં તથા ગર્ભજ મનુષ્યોનાં નિવાસ સ્થાન છે.
પંચેન્દ્રિય દેવોના ચાર પ્રકાર ઃ- (૧) ભવનપતિ દેવ– પ્રથમ નરકમાં ત્રીજા આંતરાથી લઈને બારમા આંતરા સુધી દસે ય આંતરામાં ભવનાવાસ છે. ત્રીજા આંતરામાં અસુરકુમાર, ચોથામાં નાગકુમાર, પાંચમામાં સુવર્ણકુમારાદિથી ક્રમશઃ બારમા આંતરામાં સ્તનિતકુમાર જાતિના ભવનપતિદેવોના નિવાસસ્થાન છે. (૨) વાણવ્યંતર દેવ–પ્રથમ નરક પૃથ્વીની ઉપરની છત એક હજાર યોજનની છે તેમાંથી સો યોજન ઉપર અને સો યોજન નીચે છોડીને, આઠસો યોજનની પોલાણ છે, તે ભોમેય ક્ષેત્ર છે, તેમાં નગરાવાસ છે ત્યાં તે દેવોના નિવાસ સ્થાન છે. તેમાં સોળ જાતિના વ્યંતરદેવોના સ્વસ્થાન છે. જુંભક દેવોના સ્વસ્થાન તિરછાલોકમાં વૈતાઢય પર્વતાદિ પર છે. (૩) જ્યોતિષીતિરછાલોકની સમભૂમિથી ઉપર ૭૯૦ યોજનથી શરૂ કરીને ૯૦૦ યોજન સુધીનું ક્ષેત્ર અને અસંખ્ય દ્વીપ સમુદ્ર પર્યંત વિસ્તૃત ક્ષેત્ર, જ્યોતિષી દેવોનું સ્વસ્થાન છે.
38