________________
સાતસો મહાનીતિ
૩૩. સ્નાન મંજન કરું નહીં.
શરીરની શોભા કરું નહીં. એ બ્રહ્મચર્યની નવમી વાડ છે. સ્નાન મંજન એ શરીરને સારું દેખાડવાનો એક પ્રકાર છે. પ્રભુશ્રીજી કહેતા કે મેલ છે તે સાધુનું ઘરેણું (શોભા) છે. જે ગૃહસ્થ અવસ્થામાં સુંદર ગણાય છે તે મુનિ અવસ્થામાં શિથિલતા કે કલંકરૂપ ગણાય છે. ગૃહસ્થને જે લજ્જારૂપ લાગે તે મુનિને અલંકારરૂપ છે. ગૃહસ્થ ચીંથરા પહેર્યા હોય કે મેલ શરીર ઉપર હોય તો તે અશોભ્ય ગણાય છે અને તે જ મુનિની શોભા છે. જમીન ઉપર સૂવું, નાહવું નહીં, ભૂખ્યા રહેવું તે મુનિને માટે શોભા છે. જે સંસારીને શોભે નહીં, તે જ મુનિને માટે પ્રશંસા યોગ્ય ગણાય. કારણ કે સંસારનો નાશ કરનાર મુનિઘર્મ છે. ગૃહસ્થ અવસ્થામાં સંસાર પોષાય છે. ૩૪. ..............(આ સ્થાને વાક્ય નથી).
આ બધું સ્વાદિષ્ટ ભોજનાદિ ન કરે અને ઉપરથી બઘા નિયમો પાળે. પણ જો બ્રહ્મચર્યનો ભંગ કરે તો બધા નિયમો પાળેલા નકામા છે. “ખાળે ડૂચા ને દરવાજા ઉઘાડા” જેવું થાય. સાપ કે એવું કંઈ ન પેસે એના માટે નાના નાના કાણાઓ બંઘ કરે પણ દરવાજા તો ખુલ્લા એટલે ચોર વગેરે બઘાં પેસે, તો પછી સાપ વીંછી કેમ ન પેસે. ૩૫. કામ વિષયને લલિત ભાવે યાચું નહીં.
કામ વિકારને લલિતભાવે એટલે પ્રિયભાવે સારા જાણી અન્ય પાસે યાચું નહીં. આ ગૃહસ્થ અવસ્થા વિષે વાત છે. વિવાહિત જીવન હોય તેણે અન્યના આગ્રહને વશ થવું નહીં. પૌલિક સુખોની ઇચ્છા કરવી નહીં. કામ વિષયને યાચવામાં વિશેષ મોહભાવની જાગૃતિ છે. તેથી બીજાને પણ એ દિશામાં દોરવાનું થાય છે. સમજુ હોય તે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજે છે. તેથી પૌદ્ગલિક વસ્તુને લલિતભાવે એટલે આસક્તિપૂર્વક યાચતો નથી.
શીલવતીનું દ્રષ્ટાંત – શિયળનું અખંડ પાલન. જંબુદ્વીપને વિષે નંદન નામના નગરમાં અજિતસેન નામે શેઠ રહેતો હતો. તેને શીલવતી નામે સ્ત્રી હતી. તે શીલવતી શકુનશાસ્ત્ર અને પશુઓની ભાષા વગેરે જાણતી હતી. અજિતસેન પણ બુદ્ધિના બળથી રાજાનો મંત્રી થયો. એક વખત રાજાએ સીમાડાના રાજા ઉપર ચડાઈ કરવા જતાં મંત્રીને સાથે આવવા કહ્યું. મંત્રીએ શીલવતીને કહ્યું હું રાજા સાથે જાઉં છું તો તું તારા શીલની રક્ષા કેવી રીતે કરીશ? કારણ પતિ ઘેર ન હોય ત્યારે સ્ત્રીઓ સ્વેચ્છાએ ક્રીડા કરે છે. પતિના આવા વચન સાંભળી નેત્રમાં આંસુ લાવી શીલવતીએ શીલની પરીક્ષાને બતાવનારી પોતાના હાથે પુષ્પની માળા બનાવી પતિના ગળામાં પહેરાવી અને કહ્યું કે જ્યારે આ માળા કરમાય ત્યારે સમજજો કે મારા શીલનું ખંડન થયું.
અજિતસેન રાજા સાથે રવાના થયો. બીજા મંત્રી, રાજા વગેરે, અજિતસેનના ગળામાં પુષ્પની માળા કેમ કરમાતી નથી? તે પાસે રહેલા માણસોને પુછ્યું; ત્યારે તેઓએ તેની સ્ત્રીનું સતીપણું વર્ણવી બતાવ્યું. એ સાંભળી રાજાએ હાસ્યમાં સભા મધ્યે અજિતસેનની સ્ત્રી સતી છે તે સંબંધી વાત કરી. તે સાંભળી અશોકનામનો મંત્રી કહે હું તેને ચળાવી આપું. તેથી અર્ધ લાખ દ્રવ્ય આપી તેને શીલવતી પાસે મોકલ્યો.
૧૯