Book Title: Sambodhi 2009 Vol 32
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 150
________________ ગુજરાતનાં ભૂમિજ દેવાલયો–એક વિવેચના* મૌલિક હજરનીસ સ્થાપત્ય અને વાસ્તુ શબ્દોમાં ભારતીય સ્થાપત્ય અભિવ્યક્ત થાય છે. પ્રથમ શબ્દ સ્થાપત્ય સ્થાપવું-સ્થાપનાના પરિપ્રેક્ષ્યમાં છે. અને દ્વિતીય વાસ્તુ શબ્દ વસ-વસવાટના અર્થમાં અભિપ્રેત છે.” પ્રસિધ્ધ સ્થાપત્યવિદ એડમ હાર્ડી અનુસાર સ્થાપત્ય-સ્થાપના કે પ્રતિષ્ઠા દેવાલયના સંદર્ભમાં છે. જ્યારે વાસ્તુ સમાજ અંતર્ગત લોકગૃહ, વસ્તીગૃહ કે સાદા અર્થે ઘર સૂચવે છે. વધુમાં એડમ હાર્ડી કહે છે એમ “કોઈ માર્ગ-પથ કે રસ્તા પરની નાનીશી દેરીથી લઈને કોઈ રાજા કે મહાસમ્રાટે બંધાવેલા અતિ ભવ્યાતીત ભવ્ય દેવાલયનો આશય તો એકજ હોઈ શકે. અને એ ઈશ્વરનો વસવાટ હોય. મંદિરને દેવ-રહેઠાણ કલ્પી આ માટે પ્રાસાદ શબ્દ પ્રયોજાયેલો છે." ઉપરોક્ત આગળ જણાવેલ વાતથી એ સ્પષ્ટ થાય છે, કે પ્રાસાદ એ દિવ્યાનુભૂતિનું સ્થાનકપરમધામ છે. આપણે ત્યાં મંદિર સ્થાપત્ય માટેનું વિપુલ સાહિત્ય છે. પરંતુ એ તમામ વિગતો વિસ્તારભયે આપવી શક્ય નથી. આથી સ્થળસંકોચે માત્ર જરૂરી ભૂમિજ દેવાલયો સંબંધી ચર્ચા કરી છે. ભૂમિજ મંદિર શિખર શૈલી અને તલછંદ પરથી ઓળખી શકાય છે. આથી શિખર પરંપરા અંગે જાણવું જરૂરી બને છે. શિખર આકાર પરત્વે બે ભાગમાં જુદા પડે છેઃ ૧. ઈસ્વીસનની પહેલી શતાબ્દીથી લઈ છઠ્ઠા - સાતમા શતક સુધી જોવા મળતી છાદ્ય પ્રાસાદ શિખર શૈલી, અને ૨. દસમી સદીથી લઈને ચૌદમી શતાબ્દીના પ્રારંભ સુધી નજરે ચડતી રેખાન્વિત શિખર શૈલી. રેખાન્વિત શિખર શૈલીના સમકાલીન ભારતીય વાસ્તુગ્રંથો નાગર, દ્રવિડ અને વેસર એવા ભેદ પાડે છે. આપણે ત્યાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં નાગર શૈલીનો પ્રસાર હતો. એમાંય ગુજરાત-રાજસ્થાન પ્રદેશે વ્યાપક પ્રાદેશિક અંશો સાથે ચૌલુક્ય સમયે નાગર શૈલીનું પ્રચલન રહ્યું હતું જેમને સોલંકીકાલના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે. કે સોલંકીશૈલીના મંદિરો પણ કહી શકાય. * લેખક આંતરરાષ્ટ્ર ખ્યાત સ્થાપત્યવિદ્ પ્રોફેસર મધુસૂદન ઢાંકીના ચર્ચા અને સૂચનો માટે ઋણી છે.

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190