________________
Vol. XXXII, 2009 જર્મન વિદ્વત્ ત્રિપુટી
169 વિદ્વાનોની છે. ભદ્રબાહુ સ્વામીએ નેપાળમાં રહીને મહાપ્રાણ યોગની સાધના કરી હતી. તેવા ઉલ્લેખો પણ પ્રાપ્ત થાય છે. અપ્રાકન (Astrakan) કાસ્વીયનસી - રશિયા સોવિયત યુનિયનની મુલાકાત જૈનમુનિ મણિભદ્ર લીધી હોવાની નોંધ રશિયાના ડુકોબારસી (Dukobarsi) નામના અભ્યાસી ગ્રુપે કરી છે. ઈજિપ્ત, બેબિલોન, એલેકઝાનપ્રિયા, ગ્રીસ, સ્વીઝરલેન્ડ, જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા, ડેનમાર્ક આદિ દેશોના સંગ્રહાલયોમાં જૈનધર્મની મૂર્તિઓ, શિલાલેખો, તામ્રપત્રો, ચિત્રોદસ્તાવેજો સંગ્રહાયેલા છે. જેથી ત્યાંના લોકો પણ જૈનધર્મ વિશે યત્કિંચિત જાણતા હોવાનું માની શકાય. સને ૧૮૯૨માં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદનું આયોજન થયું ત્યારે જૈનધર્મના પ્રતિનિધિ તરીકે વીરચંદ રાઘવજી ગાંધી ગયા હતા. તેમણે જૈનધર્મ વિશે પ્રભાવશાળી પ્રવચન આપ્યું હતું. અને ત્યાર પછી તેમણે અમેરિકા તથા યુરોપના વિભિન્ન દેશોમાં જૈનધર્મના પ્રવચનો આપ્યાં હતાં. તેથી ત્યાંની પ્રજા પણ જૈનધર્મના પરિચયમાં આવી હતી.
જૈનધર્મના ગૃહસ્થો મૂળે વ્યવસાયી હોવાને કારણે સાગર ખેડતા હતા. તેઓ આફ્રિકા અને અન્ય દેશોમાં જતા આવતા હતા. આ કારણે ત્યાં પણ જૈન ધર્મનો પ્રચાર થયો. મોતીશાહ શેઠનો ચીનમાં વ્યવસાય હતો. તેઓ અવારનવાર ચીન જતા આવતા અને જૈનધર્મની વાતો કરતા તેથી તેમના ગ્રાહકો પણ જૈનધર્મથી પરિચિત બન્યા હતા. તેમણે ત્યાં જૈન તીર્થંકરની પ્રતિમા સ્થાપિત કર્યાના ઉલ્લેખો મળે છે.
ગઈ સદીના મધ્યભાગે ઘણા જૈન વિદ્યાભ્યાસ કરવા તથા વ્યવસાય માટે આફ્રિકા, યુરોપ, ઇંગ્લેન્ડ, અમેરિકા, જાપાન ગયા અને ત્યારબાદ ત્યાં જ સ્થાયી થયા. તેથી તેઓએ ત્યાં જૈન મંદિરોનું નિર્માણ પણ કર્યું છે. અત્યારે અમેરિકામાં ૬૦ જૈન સેન્ટર અને ૨૭ જૈન મંદિરો છે. ઇંગ્લેન્ડમાં ચાર જૈન મંદિર છે. નૈરોબી, જાપાન, થાઈલેન્ડ, સીંગાપોર આદિ દેશોમાં જૈન મંદિર છે. અને બીજા અનેક દેશોમાં જૈન મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે. આમ વિદેશમાં ઉત્તરોત્તર જૈનધર્મનો પ્રચાર વધી રહ્યો છે.
વર્તમાનમાં તો જૈનધર્મના અહિંસાના સિદ્ધાન્તને કારણે તથા અનેકાન્તવાદ જેવા અન્ય સિદ્ધાન્તોને કારણે જૈન ધર્મના સિદ્ધાન્તોનું અધ્યયન આખા વિશ્વમાં ચાલી રહ્યું છે. અહીં આપણે વિશેષે કરી જર્મનના વિદ્વાનોના જૈનધર્મના વિશિષ્ટ અભ્યાસ અંગે વિચારણા કરીશું. વિદેશમાં અધ્યયનના વિષયોઃ
યુરોપિય વિદ્વાનોએ ભારતીય વિદ્યાનું અધ્યયન શરૂ કર્યા પછી ભાષા કે વિષયનો બાધ રાખ્યા વગર ખેડાણ શરૂ કરી દીધું હતું. છેલ્લા ૧૫૦ વર્ષના ઈતિહાસ ઉપર નજર નાખીએ ત્યારે અત્યંત આશ્ચર્ય ઉપજે તેવું વિપુલ માત્રામાં કામ થયેલું જોવા મળે છે. તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, અપભ્રંશ અને ભારતની પ્રાદેશિક ભાષામાં રચાયેલ સાહિત્ય ઉપર કામ કર્યું છે. તેમના સંશોધનના મુખ્ય વિષયો સંસ્કૃતિ, સામાજિક પરિસ્થિતિ, ઐતિહાસિક ભાષાશાસ્ત્ર, ઉચ્ચારણશાસ્ત્ર, સમીક્ષિત ગ્રંથસંપાદન, પ્રમાણભૂત ઇતિહાસ, દર્શનશાસ્ત્ર, ધર્મો, વૈદિકધર્મ, હિંદુધર્મ, શૈવસિદ્ધાન્ત, વૈષ્ણવ પરંપરા, જૈનધર્મ, બૌદ્ધધર્મ, શીખધર્મ, યહુદી ધર્મ, પારસીધર્મ, ખ્રિસ્તીધર્મ,