________________
174
જિતેન્દ્ર બી. શાહ
SAMBODHI
વિસ્તૃત સૂચિપત્રો (કેટલોગ) તૈયાર કર્યા હતાં, જે જર્મનીથી પ્રકાશિત થયાં છે. સને ૧૯૨૦માં શૂબ્રિગ હેમ્બર્ગ યુનિ.માં પ્રો. સ્ટેન કોનોવના ઉત્તરાધિકારી તરીકે પ્રોફેસરના પદે નિયુક્ત થયા. સને ૧૯૨૨ થી તેમણે Journal of the German Oriental Society નું સંપાદન કાર્ય સંભાળ્યું. ૧૯૨૭-૨૮માં તેઓ ભારતની મુલાકાતે આવ્યા અને અહીં તેઓએ અનેક ગ્રંથભંડારોની મુલાકાત લીધી તથા જૈનમુનિઓ તથા જૈન વિદ્વાનોના સંપર્કમાં આવ્યા. તેમણે કેટલોક સમય ભંડારકર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, પૂનામાં પણ સેવાઓ આપી હતી. સને ૧૯૫૧માં તેઓ નિવૃત્ત થયા અને ૧૩.૪.૧૯૬૯માં અવસાન પામ્યા.
શૂબ્રિગે અનેક ગ્રંથો સંપાદિત કર્યા, અનેક સંશોધન લેખો લખ્યા, અનેક જર્મનોને સંસ્કૃતપ્રાકૃત અને જૈન વિદ્યાનો અભ્યાસ કરાવ્યો. તેમણે આજીવન ભારતીય વિદ્યા અને જૈન સાહિત્યની સેવા કરી છે. તે ચિરકાળ સુધી અમર રહેશે.
તેમણે આચારાંગસૂત્ર, સૂત્રકૃતાંગસૂત્ર સંપાદિત કર્યા. તેનું પ્રકાશન ૧૯૧૮માં થયું છે. આ વર્ષમાં જ તેમણે વ્યવહાર અને નિશિથસૂત્ર સંપાદિત કર્યા. ૧૯૫૧માં અને ૧૯૬૩માં મહાનિશિથ સૂત્રનું અધ્યયન કરી બે ભાગમાં પ્રકાશિત કર્યું. તેની નાગરી આવૃત્તિ જૈન સાહિત્ય સંશોધક સમિતિ, પૂના દ્વારા ૧૯૨૩માં પ્રકાશિત કરવામાં આવી હતી. તેમની સંપાદન શૈલી અત્યંત ચીવટવાળી અને નિર્ભૂલ હતી. તેથી તે શૈલી વિદ્વાનોમાં આદર્શ રૂપે સ્વીકારવામાં આવી. તેમણે “ભગવાન મહાવીરના શબ્દો” એ નામથી જર્મન ભાષામાં જૈન આગમોનો સમાલોચનાત્મક અનુવાદ કર્યો હતો (૧૯૨૬), જેનું અંગ્રેજી ભાષાંતર લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમણે લોયમાનના અંતિમ કાર્ય આવશ્યક સાહિત્ય (૧૯૩૪)માં સંપાદિત કર્યું છે. આ કાર્ય અત્યંત ઉપયોગી છે. કહેવાય છે કે આ ગ્રંથમાં સમગ્ર જૈનધર્મનો સાર આવી જાય છે. “જે જૈન આગમ સાહિત્યમાં છે તે બધું જ આ ગ્રંથમાં છે અને જે આ ગ્રંથમાં નથી તે અન્યત્ર ક્યાંય નથી' તેવો આ ગ્રંથ વિશ્વયુદ્ધમાં નાશ પામતાં પામતાં રહી ગયો. આ ગ્રંથ કચરાપેટીમાં નાંખી દેવામાં આવ્યો હતો. પરંતુ લોયમાનના દિકરા મનુ લોયમાને આ ગ્રંથની હસ્તલિખિત નકલ કચરાપેટીમાંથી લઈ આવી ને શૂર્જિંગને સોંપી હતી. આવી રીતે આ ગ્રંથ બચી જવા પામ્યો હતો.
શૂબ્રિગે દશવૈકાલિક ગ્રંથનો અનુવાદ પણ કર્યો હતો, જે ૧૯૩૨માં અમદાવાદથી પ્રકાશિત થયો હતો. તેમણે ૧૯૬૬માં જૈન છેદસૂત્રો સંપાદિત કર્યા હતાં. તેમણે નિયુક્તિ અને જૈન સ્તોત્રો ઉપર તેમજ ગણિવિજજા, તંડુલવેયાલિય ઉપર પણ કામ કર્યું હતું, જે તેમના અવસાન પછી પ્રગટ થયું હતું. ઈસિભાસિયાઈ (૧૯૪૨) સંપાદિત કરી પ્રગટ કર્યું હતું. જૈનધર્મના સિદ્ધાન્તો અને અન્ય ગ્રંથો પ્રકાશિત કર્યા હતા.
આમ શૂબ્રિગે આજીવન જૈન આગમ અને જૈન સાહિત્યની સેવા કરી વિદેશમાં જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો હતો.