________________
158
રસિલા કડીઆ
SAMBODHI
પુત્રનો સંબંધ સ્થાપિત કરી શકાય નહિ. વૃક્ષ બનાવતાં પહેલાં અન્ય સ્રોતો તપાસવા જરૂરી બને છે.
અટક બાબતે જણાવવાનું કે તેમાં સમય પરિવર્તને બદલાવ આવ્યા કરે છે. અસલ દોશી રંગાના વંશમાં સોમકરણ સુધી દોશી અટક જળવાઈ રહેલી છે પણ પછીથી શેઠ અટકથી ઓળખાયા તે નગરશેઠ પદ પ્રાપ્તિને કારણે હોઈ શકે. જૈન વણિકોની શાહ અટક સામાન્યપણે લખાતી એ રીતે અમરદત્ત (અમરચંદ)ની અટક દસ્તાવેજમાં શાહ લખાઈ છે.
જો કોઈએ આ વંશવૃક્ષ બનાવવું હોય તો શેઠ સોમકરણ સુધી લઈ જવામાં આ દસ્તાવેજ મહત્ત્વનો પુરાવો આપે છે.
લીટી ૨ થી ૧૧ માં દક્ષિણમાં રાજ્ય કરતા ઔરંગઝેબની ગુર્જરાધીશ, અગંજગંજન, રિપુરાયમાનમર્દન સકલરાય શિરોમણી, અભિનવ માર્તડાવતાર, ગજઘટાકુંભસ્થલ-વિદારણેક, અરિવદનદહન દાવાનલ, યવનકુલતિલક, મુગટમણિ જેવા વિશેષણોથી પ્રશસ્તિ કરી છે. “આલમગીર પાતશાહ બહાદુર ગાજિ એવું ઔરંગઝેબનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. ઔરંગઝેબે ધારણ કરેલ આખું બિરુદ છે : “અબુલ મુજફર મુમિયુદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ બહાદુર આલમગીર પાદશાહ છે. (ઔરંગઝેબનો રાજયકાળ વિ.સં. ૧૭૧૫ થી સં. ૧૭૬૩નો છે.)
ત્યારબાદ અમદાવાદમાં નિમાયેલા અધિકારીઓની વિગતો નામ સાથે આપી છે, જે મુજબ અસદખાન બાદશાહનો નવાબ હતો. તેમના આદેશથી અમદાવાદમાં સૂબા શૂજાયતખાન હતા જેઓ તે સમયે જોધપુર ખાતે ધર્મન્યાય પ્રવર્તતા હતા અને એમના જ આદેશથી રાજનગર - અમદાવાદની રક્ષા અર્થે પોતાના પુત્ર મીરજી નજરઅલિને મૂકવામાં આવેલ હતા. તેમના હાથ નીચે કાજી બિહારીદાસ હતા. પાદશાહના દીવાન મીરજી ઈતમાદખાનના નાયબ મીર શ્રી મીર મ્પિહિસન તથા પાદશાહના બક્ષી મીરજી મીર ગાજી તથા કાજી તરીકે ત્યાં શેખ અબુબલફરે હતા. અમીન મીર મીરસિદઅબૂ, અદલ મુલ્લાં સૈયદ, ચોતરાના કોટવાળ મીરજી અતિકુલા, મુશરફ ઠાકુર શ્રી હરિકૃષ્ણદાસ હતા. તથા સમસ્ત કાનુગો, સમસ્ત શેઠ તથા સમસ્ત મહાજન ધર્મન્યાયપુર:સર વર્તતા હતા. આ રીતે અહીં આપણને દસ્તાવેજ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓનો ક્રમિક ઉતરતા ક્રમમાં ઉલ્લેખ કરેલ જોવા મળે છે.
ત્યારબાદ બાદશાહની આજ્ઞાથી ચોતરાના રૂઢિ પ્રમાણે ચાલતા આવતા લેવાતા કરવેરા માફ હોવાની વિગત લીટી ૧૨માં આપી છે એ રીતે પંચ કુલજનોએ ઢીંકવાની હવેલીમાં આવેલી હાજાપટેલના મહોલ્લામાંની કોઠિઆની પોળમાં આવેલ ઘર વેચાયાની વિગત છે. (લીટી. ૧૩-૧૪) અહીં અમદાવાદની પોળોનો પરિચય થાય છે. આજે ઢીંકવાચોકી જુદો વિસ્તાર છે. કોઠિઆની પોળ નામ નથી, હાજાપટેલની પોળ જ ગણાય છે.
ઔરંગઝેબ દક્ષિણમાં રાજ્ય કરે છે તે વિગત વિચાર કરવા પ્રેરે છે. શાંતિ સ્થાપવા અને મરાઠાઓ સામેના યુદ્ધ ચાલતા તેથી ઔરંગઝેબ દક્ષિણમાં રહ્યો હતો. ઇતિહાસ જણાવે છે કે બાદશાહ ઔરંગઝેબે ઈ. સ. ૧૬૮૧ પછી અર્થાતુ. વિ.સં. ૧૭૩૮ પછી પોતાનું વડું મથક દખ્ખણમાં રાખ્યું હતું અને ત્યાં મરાઠાઓ સામે લશ્કરી ચડાઈઓમાં રોકાયેલો હોવાથી વહીવટમાં એનું ધ્યાન એકાગ્ર રહેતું નહિ હોય એટલે સૂબેદારોને બદલી કર્યા વિના એમના સ્થાને લાંબા સમય સુધી ચાલુ રાખ્યા હતા. વળી