________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૦ ]
[ ૬૭
જ્ઞાની જે નિશ્ચય પર આરૂઢ છે તે તેને જે વ્યવહાર હોય છે તેનો માત્ર જાણનાર છે, કર્તા નથી. અહાહા....! રાગ વિનાનું પોતાનું જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે તેનું સંચેતન અને અનુભવન કરનાર જ્ઞાની વિરાગી છે અને તેને જે પર્યાયમાં રાગ છે તેને માત્ર સાક્ષીભાવે જાણે જ છે, કરતો નથી. જ્યારે વ્યવહાર કરવાથી ધર્મ થાય છે એમ માનનાર વ્યવહારમાં જ તલ્લીન એવો રાગી વ્યવહારમૂઢ છે; તે ધર્મને પામતો નથી.
અહીં આચાર્ય કુંદકુંદદેવ આગમવચનને પ્રસિદ્ધ કરીને કહે છે કે-“રાગની રુચિવાળા બંધાય છે અને રાગની અસચિવાળા વિરાગી બંધાતા નથી.” હરિગીતમાં છે ને કે
“જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મૂકાય છે.'
આમ છતાં આગમના વચનને ન સમજે અને પુણ્યથી ધર્મ થાય, ભગવાનનાં સ્મરણ, સ્તુતિ, ભક્તિ, વંદના ઇત્યાદિ કરતાં કરતાં ધર્મ થાય એમ માને અને નિરૂપે તેને આગમ વચન કયાં છે? એ તો સ્વચ્છંદીનું વચન છે કેમકે તેને આગમવચનનું શ્રદ્ધાન જ નથી. ત્રણલોકના નાથ અરિહંતદેવે તો દિવ્યધ્વનિમાં એમ કહ્યું છે કે શુભ અને અશુભ બન્નેય ભાવ અવિશેષપણે બંધનાં કારણ છે માટે નિષેધવાયોગ્ય છે. ભાઈ ! આ તો વીરનો માર્ગ છે. તે સાંભળીને જેનાં કાળજાં કંપી ઊઠે છે એવા કાયરનાં આમાં કામ નથી. શ્રીમદે કહ્યું છે ને કે
“વચનામૃત વીતરાગનાં પરમ શાન્તરસ મૂળ,
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.''
વીતરાગનાં વચનો શાન્તરસ-વીતરાગરસનાં પ્રેરનારાં છે અને તે ભવરોગને મટાડનારાં મહા ઔષધ છે. પરંતુ શુભભાવમાં જ રક્ત એવા કાયરોને તે પ્રતિકૂળ પડે છે.
શાસ્ત્રમાં શુભભાવના (એકાંત) પ્રેમીને વીર્યહીન-નપુંસક કહ્યો છે; કેમકે એને ધર્મની પ્રજા પેદા થતી નથી. જેમ પાવૈયાને પ્રજા ન થાય તેમ રાગના રુચિવાળા નપુંસકોને ધર્મની પ્રજા ન થાય. આત્માની ૪૭ શક્તિઓમાં એક વીર્યશક્તિ કહી છે. આત્મસ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે. આ વીર્યશક્તિનું કાર્ય શું? કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયને રચે તે એનું કાર્ય છે. શુભભાવની-રાગની રચના કરે તે વીર્યશક્તિનું કાર્ય નથી. અશુદ્ધતાની રચનામાં જે વીર્ય રોકાઈ રહે એ તો કાયર-નપુંસકપણું છે. સ્વરૂપની રચના છોડીને એકાંતે રાગને રચે એ તો નપુંસકતા છે. હું તો રાગનો જાણનારો છું એમ ભૂલીને જે રાગનો કરનારો થાય એ હુતવીર્ય નપુંસક છે. તે બંધના કારણને જ સેવનારો છે અર્થાત્ તેને બંધ જ થશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com