________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
કેમ થઈ ? ભાઈ! આ રાગ છે તે તારી પોતાની જાત નથી, એ તો કજાત છે. પુણ્ય-પાપના ભાવ તો વિભાવ-ચંડાલણીના પુત્ર છે. ભાઈ! સ્વરૂપથી અજાણ રહી, રાગને પોતાનો માનીને રાગ કરવા પ્રતિ પ્રેરાય છે એ અજ્ઞાનભાવ મિથ્યાત્વાદિના બંધનું કારણ થાય છે.
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ-સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદના શાંત-શાંત-શાંત સ્વભાવે સદાય રહેલો છે. તેને ભૂલીને પુણ્ય-પાપના વિકલ્પોની ભેળસેળ કરી આત્માને માને છે-રાગ મારું સ્વરૂપ છે વા રાગથી મને લાભ થાય, ધર્મ થાય-એમ જે માને છે-તે અજ્ઞાનમય ભાવ છે અને તે અજ્ઞાનમય ભાવ જીવને કર્મ કરવાને પ્રેરે છે. ભગવાન જ્ઞાયક સાથે રાગની ભેળસેળ કરવાથી જે અજ્ઞાનમય ભાવ થયો તે કર્મ કરવાને પ્રેરે છે અને તે બંધનનું કારણ બને છે.
સંપ્રદાયમાં તો કહે કે-ભગવાનની સેવા ભક્તિ કરતાં કરતાં કલ્યાણ થઈ જાય; એટલે કે રાગ કરતાં કરતાં વીતરાગ થઈ જાય વા બંધભાવ કરતાં કરતાં નિર્બંધ થઈ જાય. આવું તે હોય બાપુ? (ન હોય). રાગ ચાહે તો શુભભાવ હો, પણ એ તો આસ્રવ તત્ત્વ છે અને ભગવાન આત્મા જ્ઞાયકતત્ત્વ છે. બન્ને ભિન્ન ભિન્ન છે. તથાપિ બન્નેની ભેળસેળ કરીને એક માને તો તેથી અજ્ઞાનમય ભાવ ઉપજે અને તે રાગ-દ્વેષને જ કરવા પ્રતિ પ્રેરે છે, બંધનના ભાવ પ્રતિ જ ધકેલે છે. (રાગના કરવાપણાનો ભાવ એ બંધનનો જ ભાવ છે).
સ્વરૂપના અજ્ઞાનનો નાશ અને જ્ઞાનની પ્રાપ્તિ એ મૂળ વાત છે. ધર્મી જીવને અસ્થિરતાનો દોષ હોય તેની અહીં ગણતરી નથી. જ્ઞાનીને પણ થોડી અશુદ્ધતા હોય છે અને તેના નિમિત્તે થોડો બંધ પણ થાય છે પણ તેને રાગના કર્તાપણાની બુદ્ધિ નહિ હોવાથી તેનો તે જ્ઞાતા જ રહે છે. જેમ ભગવાન કેવળી વ્યવહાર નયથી લોકાલોકને જાણે છે ત્યાં લોકાલોકમાં તન્મય થઈને ભગવાન જાણતા નથી તેમ જ્ઞાની, પર્યાયમાં જે રાગ થાય છે તેને જાણે છે પણ તે રાગમાં તન્મય નથી. જ્ઞાની પોતામાં જ રહીને રાગને પરજ્ઞેય તરીકે જાણે છે, રાગમાં ભળીને રાગને જાણે છે એમ નહિ. રાગ સંબંધીનું જ્ઞાન રાગથી નહિ પોતાના સામર્થ્યપણે પોતાથી થાય છે. રાગમાં એકત્વબુદ્ધિ કરીને રાગને જાણે એ તો અજ્ઞાનમય મિથ્યાત્વના ભાવ છે અને એ જ આસવ-બંધનું કારણ છે.
અહો! માર્ગ બહુ ગૂઢ, બાપુ! જેના ફળમાં અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત આનંદ પ્રગટે એ માર્ગ–ઉપાય તો ગૂઢ અલૌકિક જ હોય ને?
હવે સવળેથી લે છે–‘ અને જેમ લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી (લોખંડની સોયમાં ) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ...’
Please inform us of any errors on rajesh@AtmaDharma.com